પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરે. અને આપણે ક્યાં ઘરેણાંની શોખીન વહુઓ ગોતવી છે ? છતાં કંઈ કરાવવું જ પડે તો હું ક્યાં નથી બેઠો ?’

’જાણ્યા તમને. મારાં ઘરેણાં પણ લઈ લીધાં એ જ તમે ના ? મને સુખે નથી પહેરવા દીધું એ તમે મારી વહુઓને સારુ શું લેવાના હતા ? છોકરાઓને આજથી વેરાગી બનાવી રહ્યા છો ! એ દાગીના નહીં પાછા અપાય. અને મારા હાર ઉપર તમારો શોહક ?’

’પણ એ હાર તારી સેવાને ખાતર કે મારી સેવાને ખાતર મળ્યો છે ?’ મેં પૂછ્યું.

’ભલે ને. તમારી સેવા એટલે મારી પણ થઈ. મારી પાસે રાતદહાડો મજૂરી કરાવી એ સેવામાં નહીં ગણાતું હોય ? રડાવીને પણ જેને ને તેને ઘરમાં રાખ્યા ને ચાકરીઓ કરાવી તેનું શું ?’

આ બધાં બાણ અણિયાળાં હતાં. એમાંનાં કેટલાંક વાગતાં હતાં. પણ ઘરેણાં તો મારે પાછાં આપવાં જ હતાં. ઘણી વાતોમાં હું જેવી તેવી સંમતિ લઈ શક્યો. ૧૮૯૬માં મળેલી ને ૧૯૦૧માં મળેલી ભેટો પાછી આપી. તેનું ટ્રસ્ટ બન્યું ને તેનો જાહેર કામને સારુ ઉપયોગ, મારી ઈચ્છા મુજબ અથવા ટ્રસ્ટીઓની ઈચ્છા મુજબ, થાય એ શરતે તે બેંકમાં મુકાઈ. એ ઘરેણાં વેચવા નિમિત્તે ઘણી વેળા હું પૈસા એકઠા કરી શક્યો છું. આજે પણ આપત્તિફાળા તરીકે તે મોજૂદ છે ને તેમાં વૃદ્ધિ થતી ગઈ છે.

આ પગલાને વિષે મને કદી પશ્ચાત્તાપ થયો નથી. દિવસો જતાં કસ્તૂરબાઈને પણ તેની યોગ્યતા જણાઈ ગઈ. અમે ઘણી લાલચોમાંથી ઊગર્યા છીએ.

જાહેર સેવકને અંગત ભેટો ન હોય એવા અભિપ્રાય ઉપર હું આવેલો છું.


૧૩. દેશમાં

આમ દેશ જવા વિદાય થયો. રસ્તામાં મોરેશિયસ આવતું હતું. ત્યાં સ્ટીમર લાંબો વખત રોકાઇ હતી. તેથી મોરેશિયસમાં ઊતર્યોને ત્યાંની સ્થિતિનો ઠીક અનુભવ લીધો. એક રાત ત્યાંના ગવર્નર, સર ચાર્લ્સ બ્રૂસને ત્યાં પણ ગાળી હતી.