પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તો પૈસે દે દો. મૈં કુછ ના જાનૂં. મૈં તો આપ હી કો જાનતા હૂં.' તેનું નામ બદ્રી. તેણે સત્યાગ્રહમાં ઘણો મોટો ભાગ લીધો હતો. તેણે જેલ પણ ભોગવી હતી. આટલી સંમતિ ઉપરથી મેં તેના પૈસા ધીર્યા. બેત્રણ માસમાં જ મને ખબર પડી ગઈ કે આ પૈસા પાછા નહીં આવે. આટલી મોટી રકમ ખોવાની મારી શક્તિ નહોતી. મારી પાસે એટલા પૈસાનો બીજો ઉપયોગ હતો. પૈસા પાછા ન જ આવ્યા. પણ વિશ્વાસુ બદ્રીના પૈસા જાય કેમ? તેણે તો મને જ જાણ્યો જ હતો. એ પૈસા મેં ભરી આપ્યા.

એક અસીલ મિત્રને મેં આ પૈસાની ધીરધારની વાત કરેલી. તેમણે મને મીઠો ઠપકો આપી જાગ્રત કર્યો:

'ભાઇ, (દક્ષિણ આફ્રિકામાં હું 'મહાત્મા' નહોતો બન્યો, 'બાપુ' પણ નહોતો થયો. અસીલ મિત્રો મને 'ભાઇ' કહીને જ બોલાવતા.) આ કામ તમારું નથી. અમે તો તમારે વિશ્વાસે ચાલનારા. આ પૈસા તમને પાછા નથી મળવાના. બદ્રીને તો તમે બચાવી લેશો ને તમારા ખોશો. પણ આવાં સુધારકના કામમાં બધા અસીલોનાં પૈસા આપવા માંડો તો અસીલ મરી રહે ને તમે ભિખારી બનો ને ઘેર બેસો. તેમાં તમારું જાહેર કામ રખડે.'

સુભાગ્યે આ મિત્ર હયાત છે. દક્ષિણ આફ્રિકામાં ને બીજે તેમનાં કરતાં સ્વચ્છ માણસ મેં બીજો જોયો નથી ભાળ્યો. કોઇને વિષે પોતાના મનમાં શક આવે તો, ને તે ખોટો છે એમ તેમને લાગે કે તરત જ, સામેના માણસની તુરત માફી માગી પોતાનો આત્મા સાફ કરે. મને આ અસીલની ચેતવણી ખરી લાગી. બદ્રીના પૈસા તો હું ભરી શક્યો, પણ બીજા હજાર પાઉંડ તે જ વેળા ખોયા હોત તો ભરી આપવાની મારી મુદ્દલ શક્તિ નહોતી ને મારે કરજમાં જ પડવું પડત. અને એ ધંધો મેં મારી જિંદગીભરમાં નથી કર્યો ને તે તરફ મને હંમેશા ભારે અણગમો રહ્યો છે. મેં જોયું કે સુધારા કરવાને ખાતર પણ પોતાની શક્તિ બહાર ન જવું ઘટે. મેં એમ પણ જોયું કે આ ધીરધાર કરવામાં મેં ગીતાના તટસ્થ નિષ્કામ કર્મના મુખ્ય પાઠનો અનાદર કર્યો હતો. આ ભૂલ મારે સારુ દીવાદાંડી થઈ પડી.

નિરામિષાહારના પ્રચારને સારુ આવું બલિદાન કરવાનું મારી કલ્પનામાં નહોતું. મારે સારુ એ પરાણે પુણ્ય થઈ પડ્યું.