પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેમ જ અહીં સહુથી વધારે પ્રસિદ્ધિ પામ્યું છે. તેનું કારણ આજ લગી હું સમજી નથી શક્યો. એ પુસ્તક કેવળ 'ઇન્ડિયન ઓપીનિયન'ના વાંચનારને સારુ લખવામાં આવ્યું હતું. પણ તેને આધારે ઘણાં ભાઈબહેનોએ પોતાના જીવનમાં ફેરફાર કર્યા છે ને મારી સાથે પત્રવ્યવહાર પણ ચલાવ્યો છે, તેથી તેને વિશે અહીં કંઈક લખવાની આવશ્યકતા ઊભી થઇ છે. કેમ કે, જોકે તેમાં લખેલા મારા વિચારોમાં ફેરફારની આવશ્યકતા મેં નથી અનુભવી, છતાં મારા આચારમાં મેં મહત્વનો ફેરફાર કર્યો છે એ તે પુસ્તકના બધા વાચનાર નથી જાણતા. તેઓ એ તુરત જાણે એ જરૂરનું છે.

એ પુસ્તક લખવામાં-જેમ બીજાં લખવામાં-કેવળ ધર્મભાવના હતી અને તે જ મારા પ્રત્યેક કાર્યમાં આજે પણ વર્તે છે. તેથી તેમાંના કેટલાક વિચારોનો હું આજે અમલ નથી કરી શકતો એનો મને ખેદ છે, એની મને શરમ છે.

મારો દઢ વિશ્વાસ છે કે, મનુષ્ય બાળક તરીકે માતાનું દુધ પીએ છે તે ઉપરાંત બીજા દુધની આવશ્યકતા નથી. મનુષ્યનો ખોરાક વનપર ફળો, લીલાં અને સૂકાં, સિવાય બીજો નથી. બદામાદિ બીજોમાંથી અને દ્રાક્ષાદિ ફળોમાંથી તેને શરીર અને બુદ્ધિનું પૂર્ણ પોષણ મળી રહે છે. આવા ખોરાક ઉપર જે રહી શકે તેને સારુ બ્રહ્મચર્યાદિ આત્મસંયમ ઘણી સહેલી વસ્તુ થઈ પડે છે. આહાર તેવો ઓડકાર, માણસ જેવું ખાય તેવો થાય છે, એ કહેવતમાં ઘણું તથ્ય છે, એમ મેં અને મારા સાથીઓએ અનુભવ્યું છે.

આ વિચારોનું વિસ્તારપૂર્વક સમર્થન આરોગ્યના પુસ્તકમાં છે.

પણ મારે નસીબે હિંદુસ્તાનમાં મારા પ્રયોગને સંપૂર્ણતાએ પહોંચાડવાનું નહોતું. ખેડા જિલામાં સિપાહીભરતીનું કામ કરતો કરતો મારી ભૂલથી હું મરણપથારીએ પડ્યો. દૂધ વિના જીવવા મેં બહુ વલખાં માર્યાં. જે વૈદ્યોને, દાક્તરોને, રસાયણશાસ્ત્રીઓને ઓળખતો તેમની મદદ માગી. કોઈએ મગનું પાણી, કોઈએ મહુડાનું તેલ, કોઈએ બદામનું દૂધિયું સૂચવ્યાં. એ બધી ચીજોના પ્રયોગો કરતાં મેં શરીર્ને નિચોવ્યું, પણ તેથી હું પથારીએથી ઊઠી ન શક્યો.