પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'તમને તો લાજ નથી. મને છે. જરા તો શરમાઓ. હું બહાર નીકળીને કયાં જવાની હતી ? અહીં માબાપ નથી કે ત્યાં જાઉં. હું બાયડી થઈ એટલે મારે તમારા ધુંબા ખાવા જ રહ્યા. હવે લજવાઓ ને બારણું બંધ કરો. કોઈ જોશે તો બેમાંથી એકે નહીં શોભીએ.'

મેં મોં તો લાલ રાખ્યું, પણ શરમાયો ખરો. દરવાજો બંધ કર્યો. જો પત્ની મને છોડી શકે તેમ નહોતી તો હું પણ તેને છોડીને કયાં જનારો હતો ? અમારી વચ્ચે કજિયા તો પુષ્કળ થયા છે, પણ પરિણામ હમેશાં કુશળ જ આવ્યું છે. પત્નીએ પોતાની અદ્‌ભુત સહનશક્તિથી જીત મેળવી છે.

આ વર્ણન આજે હું તટસ્થ રીતે આપી શકું છું, કારણ એ બનાવ તો અમારા વીત્યા યુગનો છે. આજે હું મોહાંધ પતિ નથી, શિક્ષક નથી. ઇચ્છે તો કસ્તૂરબાઈ મને આજે ધમકાવી શકે છે. અમે આજે કસાયેલાં મિત્ર છીએ, એકબીજા પ્રત્યે નિર્વિકાર થઈ રહીએ છીએ. મારી માંદગીમાં કશો બદલો ઇચ્છયા વિના ચાકરી કરનારી એ સેવિકા છે.

ઉપરનો બનાવ ૧૮૯૮ની સાલમાં બન્યો. ત્યારે બ્રહ્યચર્યના પાલન વિષે હું કાંઇ જાણતો નહોતો. એ સમય એવો હતો કે જયારે પત્ની એ કેવળ સહધર્મિણી, સહચારિણી અને સુખદુ:ખની સાથી છે એવું મને સ્પષ્ટ ભાન નહોતું. તે વિષયભોગનું ભાજન છે, પતિની આજ્ઞા ગમે તે હોય તોપણ તે ઉઠાવવા સરજાયેલી છે એમ માની હું વર્તતો એ હું જાણું છું.

સને ૧૯૦૦ની સાલથી મારા વિચારોમાં ગંભીર પરિવર્તન થયું. ૧૯૦૬ની સાલમાં પરિણામ પામ્યું. પણ એ પરિણામને આપણે તેને સ્થળે ચર્ચશું.

અહીં તો આટલું જણાવવું બસ છે કે, જેમ જેમ હું નિર્વિકાર થતો ગયો તેમ તેમ મારા ઘરસંસાર શાંત, નિર્મળ ને સુખી થતો ગયો છે ને હજુ થતો જાય છે.

આ પુણ્યસ્મરણમાંથી કોઈ એવું તો નહીં માની લે કે અમે આદર્શ દંપતી છીએ, અથવા તો મારી ધર્મપત્નીમાં કંઈ જ દોષ નથી, અથવા તો અમારા આદર્શો હવે તો એક જ છે. કસ્તૂરબાઈને કંઇ સ્વતંત્ર આદર્શ છે કે નહીં તે તે બિચારી પોતે જાણતી પણ નહીં હોય. મારાં