પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગુજરાતમાં જૈન સંપ્રદાયનું બહુ બળ. તેની અસર દરેક સ્‍થળે, દરેક પ્રવૃતિમાં જોવામાં આવે. એટલે માંસાહારનો જે વિરોધ, જે તિરસ્‍કાર ગુજરાતમાં અને શ્રાવકોમાં ને વૈષ્‍ણવોમાં જોવામાં આવે છે તેવો હિંદુસ્‍તાનમાં કે આખા જગતમાં બીજે કયાંય જોવામાં નહીં આવે. આ મારા સંસ્‍કાર.

માતપિતાનો હું પરમ ભકત. તેઓ મારા માંસાહારની વાત જાણે તો તેમનું તો વણમોતે તત્‍કાળ મૃત્‍યુ જ નીપજે એમ હું માનનારો. સત્‍યનો જાણ્‍યેઅજાણ્‍યે સેવક તો હું હતો જ. માંસાહાર કરતાં માતપિતાને છેતરવાનું રહેશે એ જ્ઞાન મને તે વેળા નહોતું એમ હું ન કહી શકું.

આવી સ્થિતિમાં મારો માંસાહાર કરવાનો નિશ્ર્ચય મારે સારુ બહુ ગંભીર ને ભયંકર વસ્‍તુ હતી.

પણ મારે તો સુધારો કરવો હતો. માંસાહારનો શોખ નહોતો. તેમાં સ્‍વાદ છે એવું ધારીને મારે માંસાહાર નહોતો આરંભવો. મારે તો બળવાન, હિંમતવાન થવું હતું, બીજાને તેવા થવા નોતરવા હતા, ને પછી અંગ્રેજોને હરાવી હિંદુસ્‍તાનને સ્‍વતંત્ર કરવું હતું. ‘સ્‍વરાજય’ શબ્‍દ તો ત્‍યારે નહોતો સાંભળ્યો. આ સુધારાની ધગશમાં હું ભાન ભૂલ્‍યો


૭. દુ:ખદ પ્રસંગ—૨

નીમેલો દિવસ આવ્‍યો. મારી સ્થિતિનું સંપૂર્ણ વર્ણન કરવું મુશ્‍કેલ છે. એક તરફ સુધારાનો ઉત્‍સાહ, જિંદગીમાં મહત્‍વના ફેરફાર કરવાની નવાઇ, અને બીજી તરફથી ચોરની જેમ સંતાઇને કાર્ય કરવાની શરમ, આમાં કંઇ વસ્‍તુ પ્રધાન હતી એનું મને સ્‍મરણ નથી. અમે નદી તરફ એકાંત શોધવા ચાલ્‍યા. દૂર જઇ કોઇ ન દેખી શકે એવો ખૂણો શોધ્‍યો, અને ત્‍યાં મેં કદી નહીં જોયેલી વસ્‍તુ – માંસ જોયુ ! સાથે ભઠિયારાને ત્‍યાંની ડબલરોટી હતી. બેમાંથી એક વસ્‍તુ ભાવે નહીં. માંસ ચામડા જેવુ લાગે. ખાવું અશકય થઇ પડયું. મને ઓકારી આવવા લાગી. ખાવું પડતું મેલવું પડ્યું.

મારી આ રાત્રિ બહુ વસમી ગઇ. ઊંઘ ન આવે. કેમ જાણે શરીરમાં બકરું જીવતું હોય ને રુદન કરતું હોય એમ સ્‍વપ્‍નામાં લાગે. હું ભડકી ઊઠું, પસ્‍તાઉં ને વળી વિચારું કે મારે તો માંસાહાર કર્યે જ છૂટકો છે,