પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હિંમત ન હારવી ! મિત્ર પણ હારી જાય તેવા નહોતા. તેણે હવે માંસને જુદી જુદી રીતે રાંધવાનું ને શણગારવાનું તેમ જ ઢાંકવાનું કર્યું. નદીકિનારે લઇ જવાને બદલે કોઇ બબરચીની સાથે ગોઠવણ કરી છૂપી રીતે એક દરબારી ઉતારામાં લઇ જવાનું યોજયું અને ત્‍યાં ખુરશી, મેજ વગેરે સામગ્રીઓના પ્રલોભન વચ્‍ચે મને મૂકયો, આની અસર થઇ. રોટીનો તિરસ્‍કાર મોળો પડયો, બકરાની માયા છૂટી, ને માંસનું તો ન કહેવાય પણ માંસવાળા પદાર્થો દાઢે વળગ્‍યા. આમ એક વર્ષ વીત્‍યું હશે અને તે દરમિયાન પાંચ છ વાર માંસ ખાવા મળ્યું હશે, કેમ કે હંમેશા દરબારી ઉતારા ન મળે, હંમેશા માંસના સ્‍વાદિષ્‍ટ ગણાતાં સરસ ભોજનો તૈયાર ન થઇ શકે. વળી એવાં ભોજનોના પૈસા પણ બેસે. મારી પાસે તો ફૂટી બદામ સરખી નહોતી. એટલે મારાથી કંઇ અપાય તેમ નહોતું. એ ખર્ચ તો પેલા મિત્રે જ શોધવાનું હતું. તેણે કયાંથી શોધ્‍યું હશે તેની મને આજ લગી ખબર નથી. તેનો ઇરાદો તો મને માંસ ખાતો કરી મૂકવાનો – મને વટલાવવાનો -? હતો, એટલે પૈસાનું ખર્ચ પોતે કરે. પણ તેની પાસે પણ કંઇ અખૂટ ખજાનો નહોતો. એટલે આવાં ખાણાં કવચિત્ જ થઇ શકે.

જ્યારે જ્યારે આવું ખાણું ખાવામાં આવે ત્‍યારે ત્‍યારે ઘેર જમવાનું તો ન બને. માતા જયારે જમવા બોલાવે ત્‍યારે ‘આજે ભૂખ નથી, પચ્‍યુ નથી’ એવાં બહાનાં કાઢવાં પડે. આમ કહેતાં દરેક વેળા મને ભારે આઘાત પહોચતો. આ જૂઠું, તેય માની સામે ! વળી જો માતપિતા જાણે કે દીકરા માંસાહારી થયા છે તો તો તેમના પર વીજળી જ પડે. આ ખ્‍યાલો મારું હ્રદય કોરી ખાતા હતા. તેથી મેં નિશ્ર્ચય કર્યો : ‘માંસ ખાવું આવશ્યક છે; તેનો પ્રચાર કરી હિંદુસ્‍તાનને સુધારશું; પણ માતપિતાને છેતરવાં અને જૂઠું બોલવું એ માંસ ન ખાવા કરતાંયે ખરાબ છે. તેથી માતપિતાના જીવતાં માંસ ન ખવાય. તેમના મૃત્‍યુ પછી સ્‍વતંત્ર થયે ખુલ્‍લી રીતે માંસ ખાવું, ને તે સમય ન આવે ત્‍યાં સુધી માંસાહારનો ત્‍યાગ કરવો. ’ આ નિશ્ર્ચય મેં મિત્રને જણાવી દીધો ને ત્‍યારથી માંસાહાર છૂટયો તે છૂટયો જ. માતપિતાએ તો કદી જાણ્‍યું જ નહીં કે તેમના બે પુત્ર માંસાહાર કરી ચૂકયા હતા.

માતપિતાને ન છેતરવાના શુભ વિચારને લઇને મેં માંસાહાર છોડ્યો.