પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બેઠા હતા, એટલે વિવાહ કે વંશવૃદ્ધિ ભયનો વિષય નહોતો.

વેસ્ટ લેસ્ટરની એક સુંદર કુમારિકાને પરણી લાવ્યા. આ બાઇનું કુટુંબ લેસ્ટરમાં જોડાનો મોટો ધંધો ચાલે છે તેમાં કામ કરનારું હતું. મિસિસ વેસ્ટે પણ થોડો સમય જોડાના કારખાનામાં ગાળેલો હતો. તેને મેં 'સુંદર' કહેલ છે કેમ કે તેના ગુણનો હું પૂજારી છું, ને ખરું સૌંદર્ય તો ગુણમાં જ હોય. વેસ્ટ પોતાની સાસુને પણ સાથે લાવેલા. આ ભલી ડોસી હજુ જીવે છે. તેના ઉદ્યમથી ને તેના હસમુખા સ્વભાવથી તે અમને બધાને હંમેશા શરમાવતી.

જેમ આ ગોરા મિત્રોને પરણાવ્યા તેમ હિંદી મિત્રોને પોતાનાં કુટુંબોને બોલાવવા ઉત્તેજ્યાં. તેથી ફિનિક્સ એક નાનું સરખું ગામડું થઇ પડ્યું, અને ત્યાં પાંચ સાત હિંદી કુટુંબો વસવા લાગ્યાં ને વૃદ્ધિ પામતાં થયાં.


૨૩. ઘરમાં ફેરફારો ને બાળકેળવણી

ડરબનમાં ઘર માંડેલું તેમાં ફેરફારો તો કર્યા જ હતા. મોટું ખર્ચ રાખેલું છતાં વલણ સાદાઈ તરફ હતું. પણ જોહાનિસબર્ગમાં 'સર્વોદય' ના વિચારોએ વધારે ફેરફાર કરાવ્યા.

બારિસ્ટરના ઘરમાં જેટલી સાદાઈ રાખી શકાય તેટલી તો દાખલ કરી જ. છતાં કેટલાંક રાચરચીલાં વિના ચલાવવું મુશ્કેલ હતું. ખરી સાદાઈ તો મનની વધી. દરેક કામ પોતાને હાથે કરવાનો શોખ વધ્યો, ને તેમાં બાળકોને પણ પલોટવાનું આરંભ્યું.

બજારની રોતી લેવાને બદલે ઘેર ખમીર વિનાની ક્યુનેની સૂચના પ્રમાણેની રોતી હાથે બનાવવાનું શરૂ કર્યું. આમાં મિલનો આટો કામ ન આવે. વળી મિલનો દળેલો આટો વાપરવા કરતાં હાથે દળેલો વાપરવામાં સાદાઈ, આરોગ્ય ને દ્રવ્ય વધારે સાચવતા હતાં એમ માન્યું. એટલે હાથે ચલાવવાની એક ઘંટી સાત પાઉન્ડ ખર્ચી ખરીદી. આને વજનદાર પૈડું હતું. તે બે માણસો સહેલાઈથી ચલાવે, એકલાને કષ્ટ પડે. આ ઘંટી ચલાવવામાં પોલાક, હું અને બાળકો મુખ્યત્વે રોકાતા. કોઈ કોઈ વેળા કસ્તૂરબાઈ પણ આવતી. જોકે તેનો તે સમય રસોઈ કરવામાં રોકાયેલો હોય. મિસિસ પોલોક આવ્યાં ત્યારે તે પણ તેમાં જોડાયા, આ કસરત