પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેમાં લાભ જ છે. એટલે તું મને આગ્રહ ન કરજે. વળી મને પણ મારી પરીક્ષા થઈ રહેશે, ને તે બે વસ્તુઓ છોડવાનો જે નિશ્ચય તેં કર્યો છે તેમાં કાયમ રહેવામાં તને મદદ મળશે.’ આ પછી મને મનાવવાપણું તો રહ્યું જ નહીં. ’તમે તો બહુ હઠીલા છો. કોઈનું કહ્યું માનવું જ નહીં.’ કહી ખોબો આંસુ ઢાળી શાંત રહી.

આને હું સત્યાગ્રહને નામે ઓલખાવવા માગું છું, ને તેને મારી જિંદગીનાં મીઠાં સ્મરણોમાંનું એક માનું છું.

આ પછી કસ્તૂરબાઈની તબિયત ખૂબ વળી. આમાં મીઠાનો ને કઠોળનો ત્યાગ કારણભૂત હતો અગર કેટલે અંશે કારણભૂત હતો, અથવા તો તે ત્યાગથી થતા ખોરાકના નાનામોટા બીજા ફેરફારો કારણરૂપ હતા, કે ત્યાર પછીના બીજા નિયમોનું પાલન કરાવવામાં મારી ચોકી નિમિત્તરૂપ હતી, કે ઉપલા કિસ્સાથી થયેલો માનસિક ઉલ્લાસ નિમિત્તભૂત હતો, - તે હું નથી કહી શકતો. પણ કસ્તૂરભાઈનું નખાઈ ગયેલું શરીર વળવા માંડ્યું, રક્તસ્ત્રાવ બંધ થયો, ને ’વૈદરાજ’ તરીકે મારી શાખ કંઈક વધી.

મારા પોતાની ઉપર તો આ બન્ને ત્યાગની અસર સરસ જ થઈ. ત્યાગ પછી મીઠાની કે કઠોળની ઈચ્છા સરખીયે ન રહી. વર્ષ તો ઝપાટાભેર વીત્યું. ઈન્દ્રિયોની શાંતિ વધારે અનુભવવા લાગ્યો, અને સંયમની વૃદ્ધિ તરફ મન વધારે દોડવા લાગ્યું. વર્ષના અંત પછી પણ કઠોળ ને મીઠાનો ત્યાગ છેક દેશમાં આવ્યો ત્યાં લગી ચાલુ રહ્યો કહેવાય. માત્ર એક જ વખત વિલાયતમાં ૧૯૧૪ની સાલમાં મીઠું ને કઠોળ ખાધાં હતાં પણ તે કિસ્સો ને દેશમાં આવ્યા પછી બન્ને કેમ ફરી લેવાયાં તે હવે પછી.

મીઠું ને કઠોળ છોડાવવાના પ્રયોગો મેં બીજા સાથીઓ ઉપર પણ સારી પેઠે કરેલા, ને દક્ષિણ આફ્રિકામાં તો તેનાં પરિણામો સારાં જ આવ્યાં હતાં. વૈદક દૃષ્ટિએ બન્ને વસ્તુઓના ત્યાગને વિષે બે મત હોય, પણ સંયમની દૃષ્ટિએ તો બન્ને વસ્તુઓના ત્યાગમાં લાભ જ છે એ વિષે મને શંકા જ નથી. ભોગી તેમ જ સંયમીના ખોરાક જુદા, તેના રસ્તા જુદા હોવા જોઈએ. બ્રહ્મચર્યનું પાલન ઇચ્છનારા ભોગીનું જીવન ગાળીને બ્રહ્મચર્યને કઠિન ને કેટલીક વાર લગભગ અશક્ય કરી મૂકે છે.