પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૮. ચોરી અને પ્રાયશ્ચિચિત

માંસાહારના કાળનાં તેમ જ તે પહેલાના કાળના કેટલાક દૂષણોનુ વર્ણન હજુ કરવું રહે છે. તે વિવાહ પૂર્વના કે તે પછી તુરતના સમયના છે.

મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો. અમારી પાસે પૈસા ન મળે. બીડી પીવામાં કંઇ ફાયદો છે અગર તો તેની ગંધમાં મજા છે એવું તો અમ બેમાંથી એકેને નહોતું લાગ્‍યુ, પણ કેવળ ધુમાડો કાઢવામાં જ કંઇક રસ છે એવુ લાગેલુ. મારા કાકાને બીડી પીવની ટેવ હતી, ને તેમને તથા બીજાને ધુમાડા કાઢતા જોઇ અમને પણ ફૂંકવાની ઇચ્‍છા થઇ. પૈસા તો ગાંઠે ન મળે, એટલે કાકા બીડીનાં ઠૂંઠાં ફેંકી દે તે ચોરવાનું અમે શરૂ કર્યું.

પણ ઠૂંઠાં કંઈ હરવખતે મળી ન શકે, અને તેમાંથી બહુ ધુમાડોયે ન નીકળે. એટલે ચાકરની ગાંઠે બેચાર દોકડા હોય તેમાંથી વચ્‍ચે વચ્‍ચે એકાદ ચોરવાની ટેવ પાડી ને અમે બીડી ખરીદતા થયા. પણ એને સંધરવી કયાં એ સવાલ થલ પડયો. વડીલોના દેખતાં તો બીડી પિવાય જ નહી એ ખબર હતી. જેમતેમ કરી બેચાર દોકડા ચોરીને થોડા અઠવાડીયા ચલાવ્‍યું. દરમિયાન સાંભળ્યું કે એક જાતના છોડ (તેનું નામ તો ભૂલી ગયો છું) થાય છે, તેની ડાંળખી બીડીની જેમ સળગે છે, ને તે પી શકાય. અમે તે મેળવીને ફુંકતા થયા !

પણ અમને સંતોષ ન થયો. અમારી પરાધીનતા અમને સાલવા લાગી. વડીલોની આજ્ઞા વિના કંઇ જ ન થાય એ દુઃખ થઇ પડ્યું. અમે કંટાળ્યા ને અમે તો આપઘાત કરવાનો નિશ્ર્ચય કર્યોં !

પણ આપઘાત કઈ રીતે કરવો ? ઝેર કોણ આપે ? અમે સાંભળ્યું કે ધતૂરાના ડોડવાનાં બી ખાઇએ તો મૃત્યુ નીપજે. અમે વગડામાં જઇ તે મેળવી આવ્‍યા. સંધ્‍યાનો સમય શોધ્‍યો. કેદારજીને મંદિરે દીપમાળમાં ઘી ચડાવ્‍યું, દર્શન કર્યા, ને એકાંત શોધી. પણ ઝેર ખાવાની હિંમત ન ચાલે. તુરત મૃત્‍યુ નહીં થાય તો ? મરીને શો લાભ ? પરાધીનતા કાં ન ભોગવી છૂટવું ? છતાં બેચાર બી ખાધા બીજા ખાવાની હિંમત જ ન ચાલી. બન્‍ને મોતથી ડર્યા, અને રામજીને મંદિર જઇ દર્શન કરી શાંત