પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મીઠાં અનુપાનો પણ આપે જ છે.

દાક્તર ઍલિન્સને બીજી મુલાકાતે વધારે છૂટ મૂકી, અને ચરબીને સાર્ સૂકા મેવાનું એટલે મગફળી આદિ બીજોનું માખણ અથવા જીતુનનું તેલ લેવાનું કહ્યું. કાચાં શાકો ન ગમે તો તેને રાંધીને ચોખાની સાથે લેવા કહ્યું. આ સુધારો મને અનુકૂળ આવ્યો.

પણ દર્દ સાવ નાબૂદ ન થયું. સંભાળની જરૂર તો હતી જ. ખાટલો ન છોડી શક્યો. દાક્તર મહેતા વખતોવખત તપાસી જતા જ. 'મારો ઇલાજ કરો તો હમણાં સાજા કરું.' એ તો હમેશાં એમના મોઢામાં હતું જ.

આમ ચાલયું હતું તેવામાં મિ. રૉબર્ટ્સ એક દહાડો આવી ચડ્યા, ને તેમણે મને દેશ જવાનો આગ્રહ કર્યો: 'આ હાલતમાં તમે નેટલી કદી નહીં જઈ શકો. સખત ઠંડી તો હજુ હવે આવશે. મારો તો ખાસ આગ્રહ છે કે તમે હવે દેશ જાઓ અને ત્યાં સાજા થાઓ. ત્યાં લગી લડાઈ ચાલતી હશે તો મદદ કરવાના ઘણાયે પ્રસંગો તમને મળશે જ. નહીં તો તમે અહીં કર્યું છે તે ઓછું નથી માનતો.'

મેં આ સલાહનો સ્વીકાર કર્યો ને દેશ જવાની તૈયારી કરી.

૪૩. રવાના

મિ. કૅલનબૅક દેશ જવાના નિશ્ચયથી અમારી સાથે નીકળ્યા હતા. વિલાયતમાં અમે સાથે જ રહેતા હતામ. પણ લડાઈને લીધે જર્મન લોકો ઉપર ખૂબ જાપ્તો હતો, ને કૅલનબૅક સાથે આવી શકવા વિશે અમને બધાને શક હતો. તેમને સારુ પાસ મેળવવા મેં ઘણો પ્રયત્ન કર્યો. મિ. રૉબર્ટ્સ પોતે તેમેને પાસ મેળવી આપવા ખુશી હતા. તેમણે બધી હકીકતનો તાર વાઇસરૉય ઉપર કર્યો. પણ લૉર્ડ હાર્ડિંગનો સીધો ને સટ જવાબ આવ્યો: 'અમે દિલગીર છીએ, પણ અત્યારે આવું કશું જોખમ વહોરવા તૈયાર નથી'. અમે બધા આ જવાબની યોગ્યતા સમજ્યા. કૅલનબૅકના વિયોગનું દુ:ખ મને તો થયું જ, પણ મારા કરતાં તેમને વધારે થયું એ હું જોઈ શક્યો. તેઓ હિંદ આવી શક્યા હોત તો આજે સુંદર ખેડૂત ને વણકરનું સાદું જીવન વ્યતીત કરતા હોત. હવે તેઓ દક્ષિણ આફ્રિકામાં પોતાનું અસલી જીવન વ્યતીત કરે છે, ને સ્થપતિનો ધંધો