પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જીત્યા પછી મને એવો શક પડ્યો કે અસીલે મને છેતર્યો છે. મારા અંતરમાં પણ હમેશાં એમ જ રહેતું કે, જો અસીલનો કેસ સાચો હોય તો જીત મળજો અને ખોટો હોય તો હાર થજો. ફી લેવામાં મેં હારજીત ઉપર ફીનો દર મુકરર કર્યાનું મને સ્મરણ નથી. અસીલ હારે કે જીતે, હું તો હમેશાં મહેનતાણું જ માંગતો ને જીત થતાં પણ તેની જ આશા રાખતો. અસીલને પ્રથમથી જ કહી દેતો: 'જૂઠો કેસ હોય તો મારી પાસે આશા જ ન રાખશો.' છેવટે મારી શાખ એવી જ પડી હતી કે જૂઠા કેસ મારી પાસે ન જ આવે. એવા અસીલો પણ મારી પાસે હતા કે જેઓ પોતાના ચોખ્ખા કેસ મારી પાસે લાવે, ને જરા પણ મેલા હોય તો તે બીજા વકીલ પાસે લઈ જાય.

એક પ્રસંગ એવો આવ્યો કે જ્યારે મારી બહુ સખત પરીક્ષા થઈ. મારા સારામાં સારામાંના એક અસીલનો આ કેસ હતો. તેમાં નામાંની ભારે ગૂંચો હતી. કેસ બહુ લાંબો ચાલ્યો હતો. ઘણી અદાલતોમાં તેમાંના કંઈક ભાગો ગયેલા. છેવટે કોર્ટે નીમેલા હિસાબ જાણકાર પંચને તેનો હિસાબી ભાગ સોંપવામાં આવ્યો હતો. પંચના ઠરાવમાં અસીલની પૂરી જીત હતી. પણ તેના હિસાબમાં એક નાનકડી પણ ગંભીર ભૂલ રહી ગઈ હતી. જમેઉધારની રકમ પચની સરતચૂકથી ઊલટી લેવાઈ ગઈ હતી. સામેના પક્ષે આ પંચનો ઠરાવ રદ કરવાની અરજી કરેલી. અસીલ તરફથી હું નાનો વકીલ હતો. મોટા વકીલે પંચની ભૂલ જોઈ હતી. પણ તેમનો અભિપ્રાય હતો કે પંચની ભૂલ કબૂલ કરવા અસીલ બંધાયેલા નહોતા. પોતાની સામેની હકીકત કબૂલ કરવા કોઈ વકીલ બંધાયેલ નથી એમ તેમનો સ્પષ્ટ અભિપ્રાય હતો. મેં કહ્યું, 'આ કેસમાં રહેલી ભૂલ કબૂલ થવી જજોઈએ.'

મોટા વકીલે કહ્યું: 'એમ થાય તો કોર્ટ આખો ઠરાવ રદ કરે એવો પૂરો ભય છે, ને એવા જોખમમાં અસીલને કોઈ શાણો વકીલ ન નાખે. હું તો એ જોખમ વહોરવા કદી તૈયાર ન થાઉં. કેસ પાછો ઊખળે તો અસીલ કેટલા ખર્ચમાં ઊતરે, ને છેવટ પરિણામ શું આવે તે કોણ કહી શકે ?'