પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેને ખબર હતી કે હું ખોટા કેસો નહોતો લેતો. તેણે આ વાત કબૂલ કરી ને મેં વિરોધી ઠરાવ માગી લીધો તેને સારુ તે ગુસ્સે ન થયો એમ હું માનું છું. ગમે તેમે હોય પણ મારી વર્તણૂંકની માઠી અસર મારા ધંધા પર ન પડી ને કોર્ટમાં મારું કામ સરળ થયું. મેં એમ પણ જોયું કે, મારી સત્યની આવી પૂજાથી વકીલબંધુઓમાં પણ મારી પ્રતિષ્ઠા વધી હતી ને વિચિત્ર સંજોગો છતાં તેઓમાંના કેટલાકની પ્રીતિ હું સંપાદન કરી શક્યો હતો.

વકીલાત કરતાં એક એવી ટેવ પણ મેં પાડી કે મારું અજ્ઞાન હું ન અસીલ પાસે છુપાવતો, ન વકીલો પાસે. જ્યાં જ્યાં મને ખબર ન પડે ત્યાં ત્યાં અસીલને બીજા વકીલની પાસે જવાનું કહેતો અથવા મને રાખે તો વધારે અનુભવી વકીલની સલાહ લઈને કામ કરવાનું કહેતો. નિખાલસતાને લીધે અસીલોનો અખૂટ પ્રેમ ને વિશ્વાસ સંપાદન કરી શક્યો હતો. મોટા વકીલની પાસે જતાં જે ફી આપવી પડે તેના પૈસા પણ તેઓ રાજી થઈને આપતા.

આ વિશ્વાસ ને પ્રેમનો પૂરેપૂરો ઉપયોગ મને જાહેર કામમાં મળ્યો.

આગલાં પ્રકરણોમાં હું જણાવી ગયો છું કે દક્ષિણ આફ્રિકામાં વકીલાત કરવાનો હેતુ કેવળ લોકસેવા હતો. આ સેવાને ખાતર પણ મારે લોકોનો વિશ્વાસ સંપાદન કરવાની આવશ્યકતા હતી. ઉદાર દિલના હિંદીઓએ પૈસા લઈને કરેલી વકીલાતને પણ સેવા તરીકે માની ને જ્યારે તેમને તેમના હકોને સારુ જેલનાં દુ:ખ વેઠવાની સલાહ આપી ત્યારે તેમનામાંના ઘણાએ તે સલાહનો સ્વીકાર જ્ઞાનપૂર્વક કરવા કરતાં, મારા ઉપરની તેમની શ્રદ્ધાને લઈને અને મારી ઉપરના પ્રેમને વશ થઈને કરેલો.

આ લખતાં વકીલાતનાં આવાં મીઠાં ઘણાં સ્મરણો મારી કલમે ચડે છે. સેંકડો અસીલો ટળી મિત્રો થયા, જાહેર સેવામાં મારા સાચા સાથી બન્યા, ને મારા કઠીન જીવનને તેમણે રસમય કરી મૂક્યું.