પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'તમે જેલ જવા તૈયાર છો?'

વગર વિચાર્યે ઉત્સાહમાં જવાબ દેનારા ઘણા જુવાનો જેવા જ મેં મોતીલાલને માન્યા હતા. પણ તેમણે બહુ દ્રઢતા પૂર્વક જવાબ દીધો:

'અમે જરૂર જેલમાં જશું પણ તમારે મને દોરવા જોઈશે. કાઠિયાવાડી તરીકે તમાઅરી ઉપર અમારો પહેલો હક છે. અત્યારે તો અમે તમને ન રોકી શકીએ, પણ વળતાં તમારે વઢવાણ ઊતરવું પડશે. અહીંના જુવાનીયાઓનું કામ ને તેમનો ઉત્સાહ જોઈ તમે ખુશ થશો. અમને તમારી સેનામાં જ્યારે માગશો ત્યારે ભરતી લઈ શકશો.'

મોતીલાલની ઉપર મારી આંખ ઠરી. તેમના બીજા સાથીએ તેમની સ્તુતિ કરતા કહ્યું:

'આઅ ભાઈ છે તો દરજી. પોતાના ધધામાં કુશળ છે તેથી રોજ એક કલાક કામ કરી દર માસે લગભગ રૂ. ૧૫ પોતાના ખરચ જોગ કમાય છે ને બાકી બધો વખત સાર્વજનિક સેવામાં ગાળે છે. અને અમને બધા ભણેલાને દોરે છે ને શરમાવે છે.'

પાછળથી હું ભાઈ મોતીલાલના પ્રસંગમં સારી પેઠે આવ્યો હતો, અને મેં જોયું કે તેમની ઉપરની સ્તુતિમાં મુદ્દલ અતિશયોક્તિ નહોતીએ. સત્યાગ્રહાશ્રમ સ્થપાયો ત્યારે તે દર માસે થોડ દહાડા તો ભરી જ જાય.બાળકોને સીવવાનું શીખવે ને આશ્રમનું સીવવાનું કામ પણ કરી જાય. વીરમગામની વાત તો મને રોજ સંભળાવે. મુસાફરોની ઉપર પડાતી હાડમારી તેમને સારુ અસહ્ય હતી. આ મોતીલાલને ભરજુવાનીમાં બીમારી ઉપાડી ગઈ, ને વઢવાણ તેમના વિના સૂનું થયું.

રાજકોટ પહોંચતાં બીજે દિવસે સવારે હું પેલા મળેલા હુકમ પ્રમાણે ઈસ્પિતાલે હાજર થયો. ત્યાંતો હું અજાણ્યો નહોતો.દાક્તર શરમાયા ને પેલા તપાસનાર અમલદારની ઉપર ગુસ્સો કરવા લાગ્યા. મને ગુસ્સાનું કારણ ન લાગ્યું. અમલદારે તો પોતાનો ધર્મ પાળ્યો હતો. તે મને ઓળાખતો નહોતો, ને ઓળખે તોય જે હુકમ કર્યો તે કરવામાં તેનો ધર્મ હતો. પણ હું જાણીતો તેથી રાજકોટમાં મારે તપાસ કરાવવાને બદલે તપાસ કરવા માણસ ઘેર આવવા લાગ્યા.

ત્રીજા વગૅ ના મુસાફરોની આવી બાબતોમાં તપાસ આવશ્યક છે.