પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભાવનાથી નહોતો ગયો. મને તીર્થક્ષેત્રમાં પવિત્રતાની શોધે જવાનો મોહ કદી નથી રહ્યો. પણ સત્તર લાખ માણસો પાખંડી હોય નહીં. મેળામાં સત્તર લાખ માણસો આવ્યાં હશે એમ કહેવાયું હતું. આમાં અસંખ્ય માણસો પુણ્ય કમાવાને સારુ, શુદ્ધિ મેળવવાને સારુ આવેલાં એને વિષે મને શંકા નહોતી. આવા પ્રકારની શ્રદ્ધા કેટલે સુધી આત્માને ચડાવતી હશે એ કહેવું અશક્ય નહીં તો મુશ્કેલ તો છે જ.

પથારીમાં પડ્યો પડ્યો હું વિચારસાગરમાં ડૂબ્યો. ચોમેર ફેલાયેલા પાખંડમાં મજકૂર પવિત્ર આત્માઓ પણ છે. તેઓ ઈશ્વરના દરબારમાં સજાપાત્ર નહીં ગણાય. જો હરિદ્વારમાં આવે સમયે આવવું જ પાપ હોય તો મારે જાહેર રીતે વિરોધ કરી કુંભને દિવસે તો હરદ્વારનો ત્યાગ જ કરવો જોઇએ. જો આવવામાં ને કુંભને દહાડે રહેવામાં પાપ ન હોય તો મારે કઈંક ને કઈંક કડક વ્રત લઈને ચાલતા પાપનું પ્રાયશ્ચિત કરવું જોઇએ, આત્મશુદ્ધિ કરવી જોઇએ. મારું જીવન વ્રતો ઉપર રચાયેલું છે, તેથી કઈંક કઠિન વ્રત લેવાનો નિશ્ચય કર્યો. કલકત્તા અને રંગૂનમાં મારે નિમિત્તે યજમાનોને થયેલા અનાવશ્યક પરિશ્રમનું મને સ્મરણ થયું, તેથી મેં ખોરાકની વસ્તુઓની મર્યાદા બાંધવાનો ને અંધારા પહેલાં જમી લેવાનું વ્રત લેવાનો નિશ્ચય કર્યો. મેં જોયું કે, જો હું મર્યાદા નહીં જાળવું તો યજમાનોને ભારે અગવડરૂપ થઈશ ને સેવા કરવાને બદલે દરેક જગ્યાએ મારી સેવામાં જ લોકોને રોકતો થઈ જઈશ. તેથી ચોવીસ કલાકમાં પાંચ વસ્તુઓ ઉપરાંત કંઇ ખાવાનું ન લેવાનું ને રાત્રિભોજનત્યાગનું વ્રત લીઘું જ. બંનેની કઠિનાઇનો પૂરો વિચાર કરી લીધો. આ વ્રતોમાં એક પણ બારી ન રાખવાનો નિશ્ચય કર્યો. માંદગીમાં દવારૂપે ઘણી વસ્તુઓ લેવી કે ન લેવી, દવાને વસ્તુમાં ગણવી કે ન ગણવી, આ બધી વાતો વિચારી લીધી, ને નિશ્ચય કર્યો કે ખાવાના કોઇ પણ પદાર્થો પાંચ ઉપરાંત ન લેવા. આ બે વ્રતોને તેર વર્ષ થયાં. તેમણે મારી પરીક્ષા ઠીક કરી છે. પણ જેમ પરીક્ષા કરી છે તેમ તે મારે સારુ ઢાલરૂપ પણ ઠીક બન્યાં છે. આ વ્રતોએ મારી જિંદગી લંબાવી છે એવો મારો અભિપ્રાય છે. તેથી હું ઘણીયે વેળા માંદગીઓમાંથી બચી ગયો છું એમ માનું છું.