પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઠરાવ પાસ થયો.

રાજકુમાર શુક્લ રાજી થયા, પણ તેટલેથી જ તેમને સંતોષ ન થયો. તે તો મને જાતે ચંપારણના ખેડૂતોનાં દુ:ખ દેખાડવા માગતા હતા. મેં કહ્યું, 'મારા ભ્રમણમાં હું ચંપારણને પણ લઈશ, ને એકબે દિવસ આપીશ.' તેમણે કહ્યું: 'એક દિન કાફી હોગા, નજરોંસે દેખિયે તો સહી.'

લખનૌથી હું કાનપુર ગયેલો. ત્યાં પણ રાજકુમાર શુક્લ હાજર જ. 'યહાંસે ચંપારણ બહોત નજદીક હૈ. એક દિન દે'દો.' 'હમણાં મને માફ કરો. પણ હું આવીશ એટલું વચન આપું છું,' એમ કહી હું વધારે બંધાયો.

હું આશ્રમમાં ગયો તો રાજકુમાર શુક્લ મારી પૂંઠે જ હતા, 'અબ તો દિન મુકરર કીજિયે.' મેં કહ્યું, 'જાઓ, મારે ફલાણી તારીખે કલકત્તા જવું છે ત્યાં આવજો ને મને લઈ જજો.' ક્યાં જવું, શું કરવું, શું જોવું એની મને કશી ખબર નહોતી. કલકત્તામાં હું ભૂપેનબાબુને ત્યાં પહોંચું તેના પહેલાં તેમણે તેમને ત્યાં ધામો નાખ્યો જ હતો. આ અભણ, અણઘડ પણ નિશ્ચયવાન ખેડૂતે મને જીત્યો.

૧૯૧૭ની સાલના આરંભમાં કલકત્તાથી અમે બે જણ રવાના થયા. બંને સરખી જોડી. બંને ખેડૂત જેવા જ લાગીએ. રાજકુમાર શુક્લ લઈ ગયા તે ગાડીમાં અમે બંને પેઠા. સવારના પટણા ઊતર્યા.

પટણાની આ મારી પહેલી મુસાફરી હતી. પટણામાં હું કોઈને ઘેર ઊતરી શકું એવી ઓળખાણ કોઈની સાથે મને નહોતી. મારા મનમાં એમ હતું કે, રાજકુમાર શુક્લ જોકે અણઘડ ખેડૂત છે છતાં તેમને કંઈ વગવસીલો તો હશે જ. ટ્રેનમાં મને તેમની કંઈક વધારે ખબર પડવા લાગી. પટણામાં પોત કળાઈ ગયું. રાજકુમાર શુક્લની બુદ્ધિ નિર્દોષ હતી. તેમણે જેમને મિત્ર માન્યા હતા તે વકીલો તેમના મિત્ર નહોતા, પણ રાજકુમાર શુક્લ તેમના વસવાયા જેવા હતા. ખેડૂત અસીલ અને વકીલોની વચ્ચે તો અંતર ચોમાસાની ગંગાના પહોળા પટ જેટલું હતું.

મને તે રાજેન્દ્રબાબુને ત્યાં લઈ ગયા. રાજેન્દ્રબાબુ પુરી કે ક્યાંક ગયા હતા. બંગલે એકબે નોકર હતા. ખાવાનું કંઈક મારી સાથે હતું. મારે ખજૂર જોઈતું હતું તે બિચારા રાજકુમાર શુક્લ બજારમાંથી લાવ્યા.

પણ બિહારમાં તો છૂતાછૂતનો રિવાજ સખત હતો. મારી ડોલના