પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાસેથી આશા રાખું. આ કામ પૈસા આપીને કરીએ તો પહૉચાય નહીં. આ બધું સેવાભાવથી ને વગર પૈસે થવું જોઇએ.'

બ્રજકિશોરબાબુ સમજ્યા, પણ તેમણે મારી તેમ જ પોતાના સાથીઓની ઊલટતપાસ ચલાવી. મારાં વચનોના ફલિતાર્થો પૂછયા. મારી અટકળ પ્રમાણે, કયાં લગી વકીલોએ ભોગ આપવો જોઇએ, કેટલા જોઇએ, થોડા થોડા થોડી થોડી મુદતને સારુ આવે તો ચાલેકે નહીં. વગેરે પ્રશ્નો મને પૂછયા. વકીલોને તેમની ત્યાગની કેટલી શક્તિ હતી તે પૂછયું.

છેવટે તેમણે આ નિશ્વય જણાવ્યો : 'અમે આટલા જણ તમે જે કામ સોંપશો તે કરી દેવા તૈયાર રહીશું. એમાંના જેટલાને જે વખતે માગશો તેટલા તમારી પાસે રહેશે. જેલ જવાની વાત નવી છે. તે વિષે અમે શક્તિ મેળવવા કોશિશ કરશું.'

૧૪. અહિંસાદેવીનો સાક્ષાત્કાર ?

મારે તો ખેડુતોની હાલતની પાસ કરવી હતી. ગળીના માલિકોની સામે જે ફરિયાદો હતીતેમાં કેટલું સત્ય છે તે જોવું આ કામને અંગે હજારો ખેડૂતોને મળવું જોઇએ. પણ તેમની સાથે આમ સંબંધમાં આવ્યા પહેલાં ગળીના માલિકોની વાત સાંભળવાની ને કમિશનરને મળવાની મેં આવશ્યકતા જોઇ. બંનેને ચિઠ્ઠી લખી.

માલીકોના મંત્રીની મુલાકાત વખતે તેણે સાફ જણાવ્યું કે, તમે પરદેશી ગણાઓ, તમારે અમારી અને ખેડૂતોની વચ્ચે નહીં આવવું જોઇએ, છતાં જો તમારે કંઇ કહેવાનું હોય તો મને લખી જણાવજો. મેં મંત્રીને વિવેકપૂર્વક કહ્યું કે, હું મને પોતાને પરદેશી ન ગણું, ને ખેડૂતો ઇચ્છે તો તેમની સ્તિતિની તપાસ કરવાનો મને પૂરો અધિકાર છે. કમિશનર સાહેબને મળ્યો. તેમણે તો ધમકાવવાનું જ શરૂ કર્યુ, ને મને આગળ વધ્યા વિના તિરહુત છોડવાની ભલામણ કરી.

મેં સાથીઓને બધી વાત કરીને કહ્યું કે, તપાસ કરતાં મને સરકાર રોકશે એવો સંભવ છે, ને જેલજાત્રાનો સમય મેં ધાર્યો હતો તેના કરતાં વહેલો પણ આવે. જો પકડાવું જ જોઇએ તો મારે મોતીહારી અને બની શકે તો બેતિયામાં પકડાવું જોઇએ. તેથી બનતી ઉતાવળે