પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઘર જેવા લાગતા. દક્ષિણ આફ્રિકાના સંબંધને લીધે તામિલ, તેલુગુ વગેરે દક્ષિણ પ્રાંતના લોકો ઉપર મને કંઈ હક છે એમ માનતો આવ્યો છું, ને તે માન્યતામાં જરાયે મેં ભૂલ કરીછે એવું હજુ લગી લાગ્યું નથી. આમંત્રણ સદગત કસ્તૂરી રંગા આયંગાર તરફથી હતું. તે આમંત્રણની પાછળ રાજગોપાલાચાર્ય હતા એ મને મદ્રાસ જતાં માલૂમ પડ્યું. આ મારો રાજગોપાલાચાર્યનો પહેલો પરિચય ગણી શકાય. હું તેમને દીઠે ઓળખી શકતો આ વખતે જ થયો.

જાહેર કામમાં વધારે ભાગ લેવાના ઇરાદાથી તે શ્રી કસ્તૂરી રંગા આયંગર ઇત્યાદિ મિત્રોની માગણીથી તેઓ સેલમ છોડી મદ્રાસમાં વકીલાત કરવાના હતા. મારો ઉતારો તેમને ત્યાં ગોઠવ્યો હતો. મને એક દિવસ પછી જ ખબર પડી કે હું તેમને ઘેર ઊતર્યો હતો. બંગલો કસ્તૂરી રંગા આયંગરનો હોવાથી મેં એમ જ માનેલું કે હું તેમનો પરોણો હતો. મહાદેવભાઈ દેસાઈએ મારી ભૂલ સુધારી. રાજગોપાલાચાઅર્ય ખસતા જ રહેતા. પણ મહાદેવે તેમને સારી પેઠે ઓળખી લીધા હતા. 'તમારે રાજગોપાલાચાર્યનો પરિચય કરી લેવો જોઈએ,' મહાદેવે મને ચેતવ્યો.

મેં પરિચય કર્યો. તેમની સાથે રોજ લડત ગોઠવવાની મસલત કરું. સભાઓ ઉપરાંત મને કંઈ જ બીજું નહોતું સૂઝતું. રૉલેટ બિલ જો કાયદો થાય તો તેનો સવિનય ભંગ કેમ થાય ? તેનો સવિનય ભંગ કરવાનો લાગ જ સરકાર આપે ત્યારે મળે. બીજા કાયદાનો સવિનયભંગ થાય ? તેની મર્યાદા ક્યાં અંકાય ? આવી ચર્ચા થાય.

શ્રી કસ્તૂરી રંગા આયંગારે એક નાનકડી આગેવાનોની સભા પણ બોલાવી. તેમાં પણ ખૂબ ચર્ચા થઈ. તેમાં શ્રી વિજરાઘવાચાર્ય પૂરો લાભ લેતા. ઝીણામાં ઝીણી સૂચનાઓ લખી સત્યાગ્રહનું શાસ્ત્ર લખી કાઢવાની તેમણે સૂચના કરી. આ કામ મારા ગજા ઉપરવટનું હતું એમ મેં જણાવ્યું.

આમ ગડમથલ ચાલતી હતી તેવામાં ખબર આવ્યા કે બિલ કાયદા તરીકે ગૅઝેટમાં પ્રગટ થયું. આ ખબર પછીની રાતે વિચાર કરતો હું સૂતો. સવારના વહેલો ઊઠી નીકળ્યો. અર્ધનિદ્રા હશે ને સ્વપ્નામાં વિચાર સૂઝ્યો. સવારના પહોરમાં મેં રાજગોપાલાચાર્યને બોલાવ્યા ને વાત કરી.

'મને રાતની સ્વપ્નાવસ્થામાં વિચાર આવ્યો કે, આ કાયદાના જવાબમાં