પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સારુ મુંબઈના ઉદાર શહેરીઓએ પેટ ભરીને દ્રવ્ય આપ્યું, ને આજે પ્રજાની પાસે તેને સારુ જોઈએ તેટલા પૈસા છે. પણ એ હિંદુ, મુસલમાન ને શીખના મિશ્રિત ખૂનથી પાક થયેલી જમીન ઉપર કઈ જાતનું સ્મારક કરવું, એટલે પડેલા પૈસાનો શો ઉપયોગ કરવો એ વિકટ પ્રશ્ન થઈ પડ્યો છે. કેમ કે ત્રણેની વચ્ચે, કહો કે બેની વચ્ચે, દોસ્તીને બદલે આજે દુશ્મનાઈ હોય એવું ભાસે છે.

મારી બીજી શક્તિ લહિયાનું કામ કરવાની હતી, જેનો ઉપયોગ મહાસભા લઈ શકે તેમ હતું. લાંબી મુદતના અભ્યાસથી, ક્યાં શું અને કેટલા ઓછા શબ્દોમાં અવિનયરહિત ભાષામાં લખવું એ હું જાણતો હતો, એમ નેતાઓ સમજી ગયા હતા. મહાસભાને સારુ તે વેળા જે બંધારણ હતું તે ગોખલેએ મૂકેલી પૂંજી હતી. તેમણે કેટલાક ધારા ઘડી કાઢ્યા હતા. તેમને આધારે મહાસભાનું કામ ચાલતું હતું. તે ધારા કેમ ઘડાયા તેનો મધુર ઇતિહાસ મેં તેમને જ મોઢેથી જાણ્યો હતો. પણ હવે મહાસભા તેટલા જ ધારાથી ચલાવાય નહીં એમ સૌને જણાતું હતું. તેને સારુ બંધારણ ઘડવાની ચર્ચાઓ દરેક વર્ષે ચાલતી. પણ મહાસભાની પાસે એવી વ્યવસ્થા જ નહોતી કે જેથી આખું વર્ષ તેનું કાર્ય ચાલ્યા કરે, અથવા ભવિષ્યના વિચાર કોઈ કરે. તેના ત્રણ મંત્રીઓ રહેતા, પણ ખરું જોતાં કાર્યવાહક મંત્રી તો એક જ રહેતો. તે પણ ચોવીસે કલાક આપી શકે એવો તો નહીં જ. એક મંત્રી ઑફિસ ચલાવે કે ભવિષ્યના વિચાર કરે કે ભૂતકાળમાં મહાસભાએ લીધેલી જવાબદારીઓ ચાલુ વર્ષમાં અદા કરે? એટલે આ પ્રશ્ન આ સાલમાં સહુની દૃષ્ટિએ વધારે અગત્યનો થઈ પડ્યો. મહાસભામાં હજારોની ભીડ થાય તેમાં પ્રજાનું કાર્ય કેમ ચાલે? પ્રતિનિધિઓની સંખ્યાની હદ નહોતી. હરકોઈ પ્રાંતમાંથી ગમે તેટલા આવી શકતા હતા. પ્રતિનિધિ ગમે તે થઈ શકતા હતા. તેથી કંઈક પ્રબંધ થવાની અત્યાવશ્યકતા સહુને જણાઈ. બંધારણ ઘડી કાઢવાનો ભાર ઊંચકવાનું મેં માથે લીધું. મારી એક શરત હતી. જનતા ઉપર બે નેતાઓનો કાબૂ હું જોઈ રહ્યો હતો. તેથી મેં મારી જોડે તેમના