પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અધર્મ નથી. મારે તો ત્યાં જઈને વિદ્યાભ્યાસ જ કરવાનો છે. વળી જે વસ્તુઓનો આપને ભય છે તેનાથી દૂર રહેવાની મેં મારી માતુશ્રી પાસે પ્રતિજ્ઞા લીધી છે. એટલે હું તેથી દૂર રહી શકીશ.'

'પણ અમે તને કહીએ છીએ કે ત્યાં ધર્મ ન જ સચવાય. તું જાણે છે કે તારા પિતાશ્રીની સાથે મારે કેવો સંબંધ હતો. તારે મારું કહેવું માનવું જોઈએ.' શેઠ બોલ્યા.

'આપની સાથેના સંબંધની મને ખબર છે. આપ વડીલ સમાન છો. પણ આ બાબતમાં હું લાચાર છું. મારો વિલાયત જવાનો નિશ્ચય હું નહીં ફેરવી શકું. મારા પિતાશ્રીના મિત્ર અને સલાહકાર જે વિદ્વાન બ્રાહ્મણ છે તેઓ માને છે કે મારા વિલાયત જવામાં કશો દોષ નથી. મારાં માતુશ્રી અને મારા ભાઈની આજ્ઞા પણ મને મળી છે.' મેં જવાબ આપ્યો.

'પણ નાતનો હુકમ તું નહી ઉઠાવે?'

'હું લાચાર છું. મને લાગે છે કે આમાં નાતે વચમાં ન આવવું જોઈએ.'

આ જવાબથી શેઠને રોષ ચડ્યો. મને બેચાર સંભળાવી. હું સ્વસ્થ બેસી રહ્યો. શેઠે હુકમ કર્યો:

'આ છોકરાને આજથી નાતબહાર ગણવામાં આવશે. જે કોઈ તેને મદદ કરશે અથવા વળાવવા જશે તેને નાત પુછશે. ને તેનો સવા રૂપિયો દંડ થશે.'

મારા ઉપર આ ઠરાવની કંઈ અસર ન થઈ. મેં શેઠની રજા લીધી. આ ઠરાવની અસર મારા ભાઈ ઉપર કેવી થશે એ વિચારવાનું હતું. તે ડરી જશે તો? સદ્ભાગ્યે તે દૃઢ રહ્યા ને મને લખી વાળ્યું કે, નાતના ઠરાવ છતાં પોતે મને વિલાયત જતાં નહીં અટકાવે.

આ બનાવ પછી હું વધારે અધીરો બન્યો. ભાઈના ઉપર દબાણ થશે તો? વળી કંઈ બીજું વિઘ્ન આવશે તો? આમ ચિંતામાં હું દિવસ ગુજારતો હતો તેવામાં ખબર સાંભળ્યાં કે, ૪થી સપ્ટેમ્બરે ઊપડનારી સ્ટીમરમાં જૂનાગઢના એક વકીલ બારિસ્ટર થવા સારુ વિલાયત જવાના છે. જે મિત્રોને મોટા ભાઈએ મારે વિષે ભલામણ કરી હતી તેમને હું મળ્યો. તેમણે પણ આ સથવારો ન ચૂકવો એ સલાહ આપી. સમય બહુ થોડો હતો. ભાઈને તાર કર્યો ને મેં જવાની રજા માંગી. તેમણે