પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રજા આપી. મેં બનેવીની પાસેથી પૈસા માંગ્યા. તેમણે નાતના હુકમની વાત કરી. નાતબહાર થવું તેમને ન પરવડે. કુટુંબના એક મિત્ર પાસે હું પહોંચ્યો અને મને ભાડા વગેરેને સારુ જોઈતા પૈસા આપી ભાઈ પાસેથી તે મેળવી લેવા વિનંતી કરી. આ મિત્રે તેમ કરવા કબૂલ કર્યું, એટલું જ નહીં પણ મને હિંમત આપી. મેં તેમનો આભાર માન્યો, પૈસા લીધા, ને ટિકિટ કઢાવી.

વિલાયતની મુસાફરીનો બધો સામાન તૈયાર કરાવવાનો હતો. એક બીજા અનુભવી મિત્ર હતા તેમણે સામાન તૈયાર કરાવ્યો. મને બધું વિચિત્ર લાગ્યું. કેટલુંક ગમ્યું, કેટલુંક મુદ્દલ ન ગમ્યું. નેકટાઈ જે પાછળથી હું શોખે પહેરતો થઈ ગયો હતો તે તો જરાયે ન ગમે. ટૂંકું જાકીટ નાગો પોશાક લાગ્યો. પણ વિલાયત જવાના શોખ આગળ આવો અણગમો કંઈ જ વસ્તુ નહોતી. સાથે ભાતું પણ ઠીક બાંધ્યું હતું.

મારી જગ્યા પણ મિત્રોએ ત્રંબકરાય મજમુદાર (જે પેલા જૂનાગઢવાળા વકીલનું નામ હતું)ની કોટડીમાં જ રોકી. તેમને મારે વિષે ભલામણ પણ કરી. તે તો પુખ્ત ઉંમરના અનુભવી ગૃહસ્થ હતા. હું અઢાર વર્ષનો દુનિયાના અનુભવ વિનાનો જુવાનિયો હતો. મજમુદારે મારી ફિકર ન કરવા મિત્રોને કહ્યું.

આમ ૧૮૮૮ના સપ્ટેમ્બરની ૪થી તારીખે મેં મુંબઈનું બંદર છોડ્યું.


૧૩. આખરે વિલાયતમાં

સ્ટીમરમાં મને દરિયો તો જરાયે ન લાગ્યો. પણ જેમ દિવસ જાય તેમ હું મૂઝાતો જાઉં. 'સ્ટુઅર્ડ'ની સાથે બોલતાં શરમ લાગે. અંગ્રેજીમાં વાત કરવાની મને ટેવ જ નહોતી. મજમુદાર સિવાયના બીજા મુસાફરો અંગ્રેજ હતા. તેમની સાથે બોલતાં ન આવડે. તેઓ મારી સાથે બોલવાનો પ્રયત્ન કરે તો હું સમજું નહિ, ને સમજું ત્યારે જવાબ કેમ દેવો એની ગમ ન પડે. દરેક વાક્ય બોલતાં પહેલાં મનમાં ગોઠવવું જોઇએ. કાંટાચમચા વડે ખાંતા ન આવડે, અને કઈ વસ્તુ માંસ વિનાની હોય એ પૂછવાની હિંમત ન ચાલે. એટલે હું ખાણાના ટેબલ ઉપર તો કદી ગયો જ નહીં. કોટડીમાં જ ખાતો. મુખ્યત્વે મારી સાથે મીઠાઇ વગેરે લીધાં હતાં તેની