પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્યાં કે મારી બહેનને ત્યાં પાણી સરખું ન પીતો. તેઓ છૂપી રીતે પાવા તૈયાર થાય, પણ જે વસ્તુ જાહેરમાં ન કરાય તે છૂપી રીતે કરવા મારૂ મન જ કબૂલ ન કરતું.

મારા આ વર્તનનું પરિણામ એ આવ્યુ કે નાત તરફથી મને કદી કશો ઉપદ્રવ થયાનુ મને યાદ નથી. એટલુ જ નહી પણ, જોકે હું હજુ આજે પણ નાતના એક વિભાગથી કાયદેસર બહિષ્કૃત ગણાઉં છું છતાં તેમના તરફથી મેં માન અને ઉદારતા જ અનુભવ્યા છે. તેઓએ મને મારા કાર્યમાં મદદ પણ કરી છે, અને નાત પરત્વે હું કંઈ પણ કરૂ એવી મારી પાસેથી આશા સરખી નથી કરી. આ મીઠું ફળ કેવળ અપ્રતિકારને આભારી છે એમ મારી માન્યતા છે. જો નાત મા દાખલ થવા ની મેં ખટપટ કરી હોત, વધારે તડો પાડવા નો પ્રયત્ન કર્યો હોત, નાતીલા ને છંછેડ્યા હોત, તો તેઓ અવશ્ય સામે થાત, ને હું વિલાયતથી આવતાં જ ઉદાસીન અને અલિપ્ત રહેવાને બદલે ખટપટની જાળમાં ફસાઈ કેવળ મિથ્યાત્વને પોષનારો બની જાત.

સ્રીની સાથેનો મારો સંબંધ હજુ હું ઈચ્છુ તેવો ન થયો. મારો દ્વેષી સ્વભાવ વિલાયત જતાં પણ હું ન મૂકી શક્યો. દરેક વાતમાં મારી ખાંખદ ને મારો વહેમ જારી રહ્યાં. આથી મારી ધારેલી મુરાદો હું પાર ન પાડી શક્યો. પત્નીને અક્ષરજ્ઞાન હોવું જ જોઈએ અને તે હું આપીશ એમ ધારેલુ, પણ મારી વિષયાસક્તિએ મને તે કામ કરવા જ ન દીધુ, અને મારી ઊણપનો રોષ મેં પત્ની પર ઉતાર્યો. એક સમય તો એવો આવ્યો કે મેં તેને એને પિયર જ મોકલી દીધી અને અત્યંત કષ્ટ આપ્યા પછી ફરી સાથે રહેવા દેવાનુ કબૂલ કર્યુ. આમાં કેવળ મારી નાદાની જ હતી એમ હું પાછળ થી જોઈ શક્યો.

છોકરાઓની કેળવણી વિષે પણ મારે સુધારા કરવાં હતા. વડીલ ભાઈને છોકરા હતાં ને હું પણ એક બાળક મૂકી ગયો હતો તે હવે ચાર વર્ષનો થવા આવ્યો હતો. આ બાળકોને કસરત કરાવવી, તેમને મજબૂત કરવાં, ને મારો સહવાસ આપવો, એમ ધારણા હતી, આમાં ભાઈની સહાનુભુતિ હતી. થોડે ઘણે અંશે હું આમા સફળતા મેળવી શક્યો. છોકરાઓનો સમાગમ મને બહુ પ્રિય લાગ્યો ને તેમની સાથે વિનોદ