પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧. લેખનવાચનનો વિશેષ ક્રમ


તા. ૧-૪-૮૯ નડીયાદ

આજે ચૈત્ર શુક્લ પ્રતિપદ્ છે – ગોડી પડવો, નવું વર્ષ. નાડી પણ પ્રાતઃકાલે સૂર્ય છે, વર્ષમાં કાર્યસદ્ધિનું ચિહ્ન છે. અસ્તુ. શરીર આજે લગભગ બે માસ થયાં સુધારે વળેલું છે. ફેબ્રુઆરીના આરંભથી જ ગળે અન્ન ઉતરવા લાગેલું છે, ને તેથી જ તે વખતે મુંબઈના મિત્રમંડળને ખુશાલી ખાતર ભોજન આપી અત્રે આવેલો છું. મુંબઈમાં ત્રણ માસમાં રૂ. ૩૫૦ ને આશરે ખર્ચ થયો છે. ગળામાં બધું સાફ મટી ગયું છે. કાને જરા બધિરતા અને શબ્દ છૂટવામાં હજુ જરા કચાશ એમ બે અડચણો છે. દવા ચાલે છે જ. જામનગરવાળા વૈદ્ય બાવાભાઈ જ યશ લઈ ગયા છે; અત્રે આવ્યા હતા, યથાશક્તિ રૂ. ૧૦૧) મેં આપ્યા છે, વળી પરિપૂર્ણ આરામ થતાં વિશેષ આપીશ, જો કે તે પોતે તો કાંઈ જ લેવા બહુ બહુ રીતે ના પાડે છે. બેત્રણ દિવસમાં હવે માથે પાણી ઘાલવાની ક્રિયા પણ થનાર છે, એટલે તે પછી પૂજાસંધ્યાનો ક્રમ પણ પૂર્વવત્ ચાલશે.

ઉપાર્જન સંબંધે તો જાનેવારીના આરંભથી જ પગાર બંધ થયો, તેમ લેખનું કામ પણ કાંઈ આવ્યું નથી; ઈશ્વર નિભાવ કરે છે. હજુ રજાનો નીવેડો આવતો નથી. મેં જે અર્જી કરેલી કે ૧/૪ પગારે રજા આપો, વા તેમ નહિ તો વર્ષ ૧ વગર પગારે કબુલ છો તેનું ઉત્તર એવું વિલક્ષણ આવ્યું કે "તરત જ તમે તમારો સંબંધ છોડો." આનું ઉત્તમ મેં વિસ્તારથી ભાવનગર લખ્યું છે કે "ભલે, હું પાછો બ્રીટીશમાં જવા તૈયાર છું પણ મને સાજો થાઉં ત્યાં સુધીની રજા આપો ઈત્યાદિ." આનું ઉત્તર જણાયું નથી; દરમીઆન એ લોકોએ આવો મારા ઉપર અન્યાય ચલાવવા માંડ્યો છે તેની વાત મેં ડાઇરેક્ટર ઑફ પબ્લીક ઈન્સ્ટ્રકશનને લખી, તો તેણે ઉત્તર આપ્યું કે રજા વિષે ગમે તેમ કરી લો; પણ જો બ્રીટીશમાં પાછા આવવું હોય તો પોલીટીકલ એજન્ટ