જે છોટાલાલની વાત આ ઉપર લખેલી છે તેનો સંબંધ બહુ ર્દઢ થતો ચાલે છે, પણ તે સંબંધમાં મને હજુ સહજ શંકા છે કે એમાં રખે કાંઈ મતલબ હોય. તેને હું આજ પર્યત ૭–૮ વાર એ કાર્યે મળ્યો છું અને રૂ. ૨૫–૩૦ આપી પણ ચુક્યો છું. નાંદોદમાં એ નોકર છે ત્યાં એને ભારે કુછંદ લાગ્યો હતો તે મૂકાવવા માટે મારા મિત્ર રા. ગજ્જરને કહી તેમની પાસે ખાસ જગો એને માટે કઢાવી એને વડોદરે મોકલવો છે. ત્યાં પગાર હાલ રૂ ૧૦) છે પણ નાંદોદ તેને ૧૫) મળે છે. એટલે રૂ ૫) હું મારા પદરથી ગજ્જરની મારફત તેને છૂપી રીતે અપાવી રૂ ૧૫ની નોકરી છે એમ બતાવીશ. જ્યારે ગજ્જર તેના ૧૫ કરશે ત્યારે એમ કરવું બંધ થશે. આટલે સુધી વાત આવી છે, પણ તેમાં અદ્યાપિ તો એમ જરા પણ જણાયું નથી કે છોટુએ કાંઈ સ્વાર્થથી એની સ્ત્રીની બાબત કરી હોય. કેવલ અનન્ય પ્રેમ, અને મારે સ્ત્રીનો અભાવ તે ઉપર દયા, એમાંથી જ એ વાત થયેલી લાગે છે, પણ હજુ થોડો વખત જોવાનું છે.
ઓનરરી માજીસ્ત્રેટ હું છું તે ઉપરાંત મ્યુનીસીપાલીટીમાં પણ સરકાર તરફથી નીમાયો છું. વડોદરાનું કામ ચાલે છે. સમાધિશતક, અનુભવપ્રદીપિકા, તર્કભાષા, બુદ્ધિસાગર, શ્રુતિસારસમુદ્ધરણ એ પાંચ ગ્રંથો આજ પર્યંત પાછા થયા છે. હાલમાં વિક્રમચરિત અને વસ્તુપાલતેજપાલચરિત આવવાનાં છે. હજુ કાયમ વાત કાંઈ બની નથી. રા. ગજ્જરના હાથમાં હાલ રૂ. ૫૦) હજારનાં પુસ્તકો તૈયાર કરાવવાનું કામ આવ્યું છે તેમાંથી મને સારી મદદ મળવાની સંપૂર્ણ આશા છે. કચ્છનું નક્કી થયેલું છે પણ તે લોકો એવા આળસુ છે કે હજુ પુસ્તકો નક્કી કરતા નથી. અમેરિકા(ન્યુયોર્ક)ની થીઓસોફીકલ સોસાયટીના ઓરીએન્ટલ ડીપાર્ટમેન્ટવાળી યોજના છેવટ મારે લેવી પડી છે,