પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦
મ. ન. દ્વિ.નું આત્મવૃત્તાન્ત
 

ને તેનાં કામ આજે ચાર માસથી ચાલે છે. ત્યાં બહુ પ્રશંસા પામે છે. માંડુક્ય થઈ ગયું અને છપાવા લંડન ગયું છે. ડીડક્ટીવ લોજીક હજુ લખી શકાયું નથી. અમેરિકાવાળી ગોઠવણ થઈ તેથી વખત મળતો નથી. એટલે હાલ "એકેડેમી"નો વિચાર બંધ છે. સરકાર તરફથી બોંબે સંસ્કૃત સીરીઝમાં સ્યાદ્વાદમંજરી એડિટ કરવાની મને મળી છે. પંજાબ યુનિવર્સિટીમાં આવતા વર્ષમાં બી.એ. તથા એમ.એ.માં પરીક્ષક છું.

છોકરાંને જનોઈ દેવાઈ ગયાં. હવે લગનનો વિચાર ચાલે છે. ધીમે ધીમે થશે.

આ વખત લંડનમાં ઓરીએન્ટલ કોન્ગ્રેસ ભરાઈ હતી ત્યાં જૈન ફીલોસોફી બાબત પેપર રજુ કર્યો હતો. તેને "સર્ટિફીકેટ ઓફ મેરિટ" મળેલું છે.

પૂજાદિ નિત્યક્રમ યથાવત્ ચાલતો છે. મેડમ બ્લેવેટસ્કી પરલોક ગઈ પરંતુ તેના સ્થાપેલા ઈસ્ટર્ન સેક્શનમાં હું છું તેમાંથી અભ્યાસક્રમ સારો ચાલતો આવે છે. એમાં ઉપલા વર્ગમાં જવાય તે માટે મેં અરજી કરી છે. વૃત્તિ હાલ બહુ ઠીક રહે છે એમ લાગે છે. બીજો અભ્યાસ યથાવત્ ચાલે છે; તેમાં વળી હાર્મોનીયમ વગાડવાનું શીખવા માંડ્યું છે.