લખાણ પર જાઓ

પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાયરી
૧૫૭
 

નથી, તેમ નાતના મહોટા તડમાંથી બાતલ થયાને લીધે કશું વિઘ્ન લાગતું નથી. જેને આવવું જવું હોય તે સુખે આવે છે જાય છે. છોટાની ને રામની હીંમત તેમાં બહુ ઉત્તમ કહેવાય. તે બન્ને મારી સાથે પાટણ આવી ૧૫ દિવસ રહ્યાં હતાં. બાયડની ઉત્પત્તિ શી હશે તે તપાસતાં તે લોક બહુ પ્રાચીન સમજાયા એથી મનને ઘણો સંતોષ થયો અને તેમને જુદા થવાનું કારણ પણ કશું હીનતાભરેલું નથી એમ જાણી સારૂં લાગ્યું. બાહ્મણ માત્ર એક હોવા જોઈએ એ વિચાર તો બહુ દિવસથી મનમાં હતો જ એટલે આ બાયડોની ઉત્પત્તિ તથા બ્રાહ્મણ માત્ર એક છે એ વાત જણાવવાને એક નાનું ચોપાનીયું મફત વહેંચવા “ગુજરાતના બ્રાહ્મણો” એ નામથી છપાવ્યું છે.

મુંબઈથી એક મિત્રે પેલી જૂની પ્રિયતમા–ચોકસણ–ની વકીલાતનું પત્ર અહીં લખ્યું હતું પરંતુ તેને તો ર્દઢ ઉત્તર આપી શકાયો! લખ્યું કે મારા મનમાં તેને માટે કશો વૈરભાવ નથી, સ્નેહ તેવો ને તેવો છે પણ મારા સ્થાનમાં ફેર પડ્યો છે, હું હવે એ સ્ત્રી જે સ્થાન પર છે તે ઉપર એક વાર હતો ત્યાં નથી, એટલે મારી પ્રિય સખી રૂપે તેને માટે મારું હૃદય સર્વદા ઉઘાડું છતાં, એથી પાર હું કાંઈ હવે કહી શકતો નથી. આ સંબંધે એક બીજો પ્રસંગ પણ નોંધવો યોગ્ય છે. એક બીજી બાલા પણ મારા ઉપર બહુ જ પ્રેમ રાખતી જણાય છે. ગમે તે કારણથી હો - પણ તેમ જણાય છે. મારા મનને અનેક કારણોથી હું કબજે રાખું છું પણ જોઈએ તેવું રહેતું નથી, પરંતુ એમાં છેવટે મારૂં મન કે તેનો પ્રેમ કોણ વિજય પામે છે એ નક્કી થયા વિના તેનું નામ અત્ર નોંધવું ઉચિત નથી.

ચીકાગોમાં પ્રદર્શન થાય છે ! ને વળી તેની સાથે જ આખી દુનીયાંના ધર્મની પાર્લામેન્ટ મળવાની છે – જેની advisory councilમાં મને તે લોકે સ્વતંત્ર ખુશીથી એકાએક મેંબર નીમ્યો છે. ત્યાં શી રીતે જવાય ? Exhibition જોવાય તે લાભ તો છે જ, પણ ઘાંટો ન છતાં એ લખીને સમજાવીને, ધર્મની પાલમેન્ટમાં ધર્મ માટે કેટલું કહી શકાય ? હિન્દુ ધર્મ એ નામે કેવી કેવી જુઠી વાતો ક્રીશ્ચીઅનો ચલાવે છે, તેનો ખુલાસો થવાનો પ્રસંગ ! વિલાયત જવામાં કશું પ્રાયશ્ચિત્ત નથી. મદ્ય માંસ ખાય તો તેથી પતિત થવાય, પ્રાયશ્ચિત્તાહૅ ન રહેવાય, પણ તેટલું સાચવીને જઈ આવવામાં કશું મહાપાતક થતું નથી. જાહેર રીતે એ વાત મેં લખી છે કે મને જૂના મતનો જાણી મારા મતથી કોઈને એ વાતનો ફેંસલો કરવાની ઇચ્છા થાય તો સારૂં છે. રા. મનઃસુખરામભાઈને લખ્યું છે કે કોઈ રાજારજવાડા ખર્ચ આપે તો હું જાઉં,