લખાણ પર જાઓ

પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭. પ્રેમકરણનો અંત


તા. ૨૨-૮-૯૫
નડીયાદ
 

આ તારીખે નડીયાદમાં છું. લગભગ એક માસથી છું. વડોદરાની સર્વ વાતોથી પરવારી હવે પાછી બીજી દુનીયાંની રચનામાં રોકાયો છું. નોકરીનો આ ચોથો વેષ પૂર્ણ થયો. પ્રેમની જે બાજી બગડી હતી તે પણ પૂરી થઈ. આજ લગભગ અગીઆર માસે આ કાગળો સાથે વાતચીત કરીને અગીઆર માસનો હીસાબ આપી હવે વળી નવું ખાતું કરવા નીકળવું છે.

છોટુ અને તેની સ્ત્રી તથા તેની રાખ એ ત્રણેની ગરબડમાં એ પ્રેમની વાત બગડી ગયાનું હું લખી ગયો છું. જ્યારે છોટુએ પોતે એકલા આવવાની પણ વાત માંડી વાળવા જેવો વ્યવહાર કરવા માંડ્યો ત્યારે મને લાગ્યું કે હવે એ માણસને મારા ઉપર કશી રુચિ નથી. સપ્ટેંબર માસ પછી દીવાળી આવી, તે વખતે છોટુ લીંબડી ગયો. રાખેલી સ્ત્રી લીંબડીના રાજાની રાણી જે નાંદોદની દીકરી છે તેની બહેનપણી તરીકે સાથે જતી. રાજરાણી પણ તેનો આ ખેલ જાણ્યા છતાં તેને અને છોટુને પોતાના આશ્રમમાં રાખતી. અને આવો યોગ તેમને આવે તે માટે પેલી સ્ત્રીને સાથે લઈ ગઈ હતી. ત્યાં છોટુ વારે વારે જતો હતો. દીવાળી ગઈ ને હોળી આવી ત્યારે પણ જે આઠ દિવસ રજા પડી તેમાં તે લીંબડી ગયો. વચમાં એકબે વાર એની રાખ વડોદરે આવી ગઈ હતી. આ બધી વાત હવે મારાથી છૂપી રીતે એ કરવા લાગ્યો અને મારે ઘેર પણ આવતો નહિ. મને પણ પરિપૂર્ણ ઉપેક્ષા થઈ ગઈ કે આ સંબંધમાં હવે એક તરફ આટલો બધો અનાદર થઈ ગયો ત્યાં વળગતા જવું વ્યર્થ છે. अनातुरोत्कण्ठितयोः प्रसिद्धता समागमेनापि रति र्न मां प्रति એ સૂત્રને ગ્રહણ કરી મેં પણ સંપૂર્ણ ઉપેક્ષા કરી. એમ કરતાં હોળીની રજામાં લીંબડીથી છોટુ ને તેની રાખ બંને વડોદરે આવી તેના ઘરમાં રહ્યાં. હું રજામાં આબુ ગયો હતો ત્યાંથી પાછો આવ્યો ત્યારે મારા પર એ

૧૭૫