પૃષ્ઠ:Atmavruttanta.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
મ.ન.દ્વિ.નું આત્મવૃત્તાન્ત
 

તે ખરાબ સોબતથી મારૂં મન ઉશ્કેરાઈ ગયેલું હતું. વય આ વખતે ૧૭-૧૮ હતું - સ્ત્રી ન હતી – આ અરસામાં જ બાળાશંકરની સ્ત્રી તરફનું પાપ પણ બની આવ્યું. કહી તે નાની બાળકીઓમાંથી મારી પડોસણની દીકરી આ વખતે મોહોટી થઈ હતી. તેની સાથેનું જુનું ઓળખાણ કાઢી મેં તેને લેવા પ્રયત્ન આરંભ્યો, પણ તેમાં કાંઈ પરિણામ આવ્યું નહિ. ઘણાં વરસ સુધી એના, મારા તરફથી ગરબડ ચાલ્યાં કરી પણ મેં એની વાત છેવટ કંટાળીને માંડી વાળી. આ રીતિના પ્રયત્નો બીજી બે ત્રણ સ્ત્રીઓ સાથે આ વખતે કે આથી આગળ બન્યા છે. પણ તેમાં કાંઈ પણ નીવડી આવેલું નથી એટલે તેવાની નોંધ નકામી છે. જે જાણવાજોગ હશે તે યોગ્ય સ્થલે આપવામાં આવશે.

૧૮૭૫માં જ્ઞાતિ શુભેચ્છક સભા સ્થપાયાના સમય પછી હું ત્રણ કાલ સંધ્યા કરતો. પ્રાતઃકાલમાં ઠંડા પાણીથી તારાસ્નાન કરી પ્રાતઃસંધ્યા વંદન કરી ગાયત્રી જપી શિવલિંગ પૂજન કરતો. આમ કર્યા વિના હું ભોજન કરતો નહિ. મધ્યાહ્ન ને સાયાહ્ન સંધ્યા પણ કરતો. આમ થવામાં મારા પિતાનો આગ્રહ તથા મારા માસ્તર છબિલરામ જેઓ પરમ આસ્તિક થયા હતા તેમની રીતભાત કારણ હતાં. આ વર્ષમાં છબિલરામને ઘેર રહેનાર એમના ભાઈ હરિકૃષ્ણ નરભેરામનું ઓળખાણ થયું. છબિલરામની બદલી થઈ તેવામાં આ માણસ મારા સ્નેહને લીધે મારા ઘરમાં જ રહેતો. ૧૮૭૬માં અમો શાળામાં ગયા, પણ તે વર્ષના આરંભમાં જ મને ભારે મંદવાડ બે માસ રહ્યો. મને બેસવાને ઠામે ગુમડું થયું તે ઘણું દુઃખ દઈ બે-ત્રણ માસે મટ્યું પણ તેમાંથી પડેલું 'ફીસ્ટ્યુલા' અદ્યાપિ છે. ને કોઈ વાર ઉપડી આવે છે તો એક કે અર્ધો દિવસ પીડા કરે છે. આ સાલમાં શાળાની અવ્યવસ્થા તો મેં બતાવેલી જ છે, પણ હું મારા સ્નેહીઓ સાથે વાંચી ખાનગી અભ્યાસ ઘણો કરતો ને સંસ્કૃત અભ્યાસ વધાર્યે જતો. લઘુકૌમુદી તથા અમરકોશ પુરાં કર્યાં ને તે ગોખવા વખત ન મળતો તેથી રાતમાં બે-ત્રણ વાગે ઊઠી તેને ગોખીને સૂઈ જતો. આ વર્ષે હું મેટ્રીક્યુલેશનમાં પાસ થયો. આ વર્ષના મારા સોહોબતીઓમાં એક તુલસીદાસ લક્ષ્મીદાસ કરીને વધ્યો; પણ તે નપાસ થવાથી પાછળ રહી ગયો. હરિકૃષ્ણે તો શાએ કારણથી મારા મંદવાડમાં જ રસ્તો પકડ્યો હતો ને ઉલટો મારા બીજા સ્નેહીઓને મારાથી દૂર કરવા ફરતો હતો. એને દોરાબજીનો સંસર્ગ ઘણો થતાં મારે ને એને તે વેળાથી જ હીસાબ પતી ગયો. એને લીધે અમને દરમાસે પૈસા ભેગા કરીને કે કોઈને ખરચે મિજબાની