લખાણ પર જાઓ

પૃષ્ઠ:Atmavruttanta.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
મ.ન.દ્વિ.નું આત્મવૃતાન્ત
 

મળ્યું હતું.

રજામાં ઘેર આવ્યો, પણ હવે નોકરી ખોળવી જોઈએ. અમદાવાદમાં Educational Inspectorને જઈ મળ્યો ને તેણે કેળવણી ખાતામાં ૫૦–૬૦ની નોકરી અક્ટોબરમાં આપવા કહ્યું. હવે જુનથી સપ્ટેંબર સુધી Fellow થઈ રહેવું કે નહિ એ વિચાર પડ્યો. પણ મનમાં એમ આવ્યું કે કદાપિ આક્ટોબરમાં નોકરી ન મળી તો જાનેવારીથી કોલેજમાં રૂ. ૬૦)નો મહીનો મળશે. માટે ખર્ચ વેઠીને પણ મુંબઈ રહેવું, એમ ધારી ગયો.

મારા ગામના રા. રા. મનઃસુખરામ સૂર્યરામ મુંબઈમાં જ રહેતા. તેઓ સારી નોકરીવાળા સમૃદ્ધ, પ્રતિષ્ઠિત, તથા પ્રથમ વર્ગના વિદ્વાનોમાં મુખ્ય હતા. એક રીતે તેમની ને મારા પિતાની મૈત્રી હોવાથી તેમની સંભાળ મારા પર ઘણી હતી કે તેઓ મારા કલ્યાણમાં ઉત્સુક રહેતા. મારૂં માલતીમાધવનું ભાષાંતર તૈયાર થયેથી કચ્છના દિવાન પ્રસિદ્ધ દિવાન બહાદુર મણિભાઈ જસભાઈને અર્પણ કરાવી મને ખર્ચમાંનો મોહોટો ભાગ અપાવવા તેમણે ધીરજ આપી. મારે નોકરીની અપેક્ષા છે એમ તેમના સમજવામાં આવેલું હોવાથી તેમણે ભાવનગરના નાયબ દીવાન રા. રા. વજલભાઈ ગગાભાઈને ઘેર તેમના દીકરાઓને ભણાવવા તથા સેક્રેટરી તરીકે કામ કરવા રૂ.૭૫)ની ખાનગી જગોની વેતરણ કરી. આ વાત મને માલુમ ન હતી, પણ ભાવનગરથી મનઃસુખરામભાઈના કોઈ સગાએ મને પુછાવ્યું ત્યારે હું એમને મળવા ગયો ત્યાં મને ખબર પડી. મારે ભાવનગર જવું એમ સલાહ મળવાથી હું તૈયાર થઈ નડીઆદ આવ્યો. આ વાત જુન માસની આખરમાં બની. પણ મને દેશી રાજ્યમાં ને તે પણ કોઈ ગૃહસ્થની ખાનગી નોકરીમાં જવાનો ઘણો અનાદર હતો, એ બે મેં સહજ અમદાવાદમાં Educational Inspectorને લખી જણાવ્યું કે અક્ટોબરમાં નોકરી આપવી, એવું તમે વચન આપતા હો તો મારા વિષે હાલ જે ગોઠવણ થઈ છે, તેની હું ના પાડું આ વાતનો ઉત્તર મને મળ્યો નહિ ને હું તો ભાવનગર જવા તૈયાર થયો. જે દિવસે સાંજે હું નીકળનાર તે દિવસ બપોરે કોઈએ મને કહ્યું કે તમને અહીંની (નડીઆદની) હાઈસ્કૂલમાં રૂ. ૬૦)ની જગો મળી છે એમ મેં અમદાવાદમાં સાંભળ્યું છે ને તમે ભાવનગર કેમ જાઓ છો? આ વાત સાંભળી ગાડીનો સવડ હોવાથી હું અમદાવાદ ગયો ને વાત ખરી ઠરવાથી (નોકરીનો હુકમ મુંબઈ જવાથી મને મળેલો નહિ) મેં ભાવનગરની નોકરી બાબત રાજીનામું લખી મોકલ્યું. પછી સ. ૧૮૮૦ના જુલાઈ માસની ૩૧મી તારીખે, લગભગ ૨૨ વર્ષની