પૃષ્ઠ:Atmavruttanta.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
મ.ન.દ્વિ.નું આત્મવૃતાન્ત
 

હંમેશાં ખફા રહ્યા કરતો, વાજબી કારણસર તેને હું મળવા ગયેલો ત્યારે તેણે મારૂં અપમાન કરેલું તેથી તેના વિષે મને ઘણો હલકો વિચાર ભરાયો હતો, ને તે જ "આર્ટ સ્કુલ"ની બાબતની લડાઈમાં હું નોકરીની દરકાર ન કરતાં ખરી વાતને વળગી રહ્યો તેથી ચીડાઈને પણ પરિણામે તે મને કાંઈ કહી શક્યો નહિ. એક વાર કોઈ સ્ત્રી વિષે લખાણમાં મેં 'laboursickness' એવો શબ્દ વાપર્યો હતો, તે કદાપિ ખોટો હોય તો પણ અર્થ સ્પષ્ટ સમજાય તેમ હતું છતાં તેણે મને તેનો અર્થ પુછવાની હલકાઈ કરી. મેં પણ જવાબ લખ્યો કે Webster's Dictionaryને અમુક પાને જોઈ લેવું; આથી પણ તે ચીડાઈને મુંગો રહ્યો. છેવટ મેં મારા પગાર બાબત તકરાર ઉઠાવી હતી તેમાં પણ તે આડો ને આડો રહ્યો, પણ પરિણામે એમ કબુલ કરવું પડ્યું કે ગુજરાતમાં રૂ. ૧૫૦)ની જે પ્રથમ જગો ખાલી થશે તે તમને આપીશ. પણ એ ઠરાવ પછી એકાદ બે માસમાં તો મેં મુંબઈ મુક્યું.

શાળાનાં વાચનપુસ્તકોમાં ફેરફાર કરવાની હીલચાલ થતી હશે તે સંબંધે ગુજરાતના ઇન્સ્પેક્ટરે મને લખ્યું હતું કે તમે તમારા અભિપ્રાય જણાવજો. મેં આ બાબત બે વાર ડાયરેક્ટરને લખેલું હતું પણ ફોકટ. આ વેળે મેં તેને જ આધારે એક અંગ્રેજી ચોપાનીયું રચી કાઢ્યું – "Suggestions for a revision of the Gujarati Reading Series" ને તે છપાવી તે સાથે સ્ત્રીકેળવણીના નિયમ બાબત પણ એક પત્ર છપાવ્યું, તેની એક નકલ ડાયરેક્ટરને પણ મોકલી. તેણે મને જણાવ્યું કે મારી ચાલ ઠપકાને પાત્ર છે. તે પરથી મેં તેને જવાબ વાળ્યો કે "જે વાત તમારે ધ્યાનપૂર્વક જાણવી જોઈએ તે જણાવનાર કેવળ સાદા લખાણવાળા પુસ્તક બાબત તમે વિચાર ન કરતાં ઠપકો આપવા તૈયાર થાઓ છો, એ જોઈ હું ઘણો દલગીર છું." આ વાત પણ તેણે કાંઈ લંબાવી નહિ, બાકી મારી મરજી હવે તો તેની સાથે ખુલ્લી રીતે Government સુધી લઢવાની થઈ હતી. મેં એ ચોપાનીયું ઘણાને મોકલ્યું હતું તે સર્વેના ઘણા સારા અભિપ્રાય મળ્યા હતા. ને મુંબઈના ગવર્નરને મોકલાવ્યું હતું તેના સેક્રેટરીએ પણ લખ્યું હતું કે "તમે લખો છો તેમજ કેળવણીનાં પુસ્તક હોવાં જોઈએ. તેમ ન હોતાં કેળવણીની વ્યવસ્થા ચાલે છે એ મેં આજે જ જાણ્યું. આ વિષયમાં તમે મારા તરફથી જે મદદ માગશો તે કરીશ એમ નામદાર ગવર્નર સાહેબ લખાવે છે." આ મદદ મેં માગી હતી પણ જે આકારે માગી તે રીતે નિષ્ફળ ગઈ. સ્ત્રીકેળવણી કેવી હોવી જોઈએ તે સંબંધનું પણ એક પત્ર આ ચોપાનીયા સાથે હતું; ને જો પૈસા