લખાણ પર જાઓ

પૃષ્ઠ:Atmavruttanta.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અધ્યાપક
૬૯
 

આવ્યો. મદ્રાસથી પ્રસિદ્ધ થતા Theosophistમાં પણ ઘણો સારો વિચાર જણાવ્યો છે. યુરોપના ને અમેરિકાના વિદ્વાનો તરફથી તો ઘણો સત્કાર મળ્યો. એ જ ગ્રંથ વડે મારી દેશીય વિદ્વાનોમાં પ્રતિષ્ઠા બંધાઈ અને પ્રસિદ્ધ ડા. બુલરનું મારે સારૂં પીછાન થયું. પ્રસિદ્ધ વિદ્વાન્ એડવિન આર્નોલ્ડ હિંદુસ્તાનમાં ફરતાં ભાવનગર આવ્યા હતા; તેમની મારે મુલાકાત થઈ તેમાં તેઓ બહુ પ્રસન્ન થયા અને Londonના Daily Telegraph નામના પત્રમાં તથા પછીથી પોતાના India Revisited નામના ગ્રંથમાં લખે છે કે


"Nor does Poona or Bombay contain any Shastree, with clearer conclusions on Hindu Theology and Philosophy, better command of lucid language, or ideas more enlightened and profound, than Mr. Manilal Nabhubhai Dvivedi, Professor of Sansksrit in the Samaldas College here (Bhownaggar), whose book just published on the Raja yoga ought to become widely known in Europe and to converse with whom has been a real privilege."


આ જ પુસ્તકે વળી આ ઉપરાંત બીજો મહાન્ લાભ કર્યો, ને વિદ્વાન વર્ગમાં મારી પ્રતિષ્ઠાને પરાકાષ્ઠાએ પહોંચાડી. ૧૮૮૬ની આખરે વીએના શહેરમાં Oriental Congress થવાની હતી. ડા.બુલર વગેરે તેના મંત્રી હતા. તેમાં કાઠીઆવાડ તરફથી બીરાજવાને પંડિત ભગવાનલાલને આમંત્રણ થયું હતું, પણ તેમણે કોઈ કારણસર ના કહેવાથી ડા. બુલરે કાઠીઆવાડના પોલીટીકલ એજંટને તેમ જ ભાવનગરના નાયબ દીવાનને લખી જણાવ્યું કે તમારે ત્યાંની કોલેજના પ્રોફેસર મણિલાલને મોકલવા પેરવી થાય તો સારું કેમકે શાસ્ત્ર વેદાંત વગેરેની વાત કરનાર જ કોઈ વિદ્વાનો અમારે ખપ છે. મને આ ઉપરથી બોલાવીને પુછવામાં આવ્યું અને મેં હા કહી. નાયબ દીવાન મને પોલીટીકલ એજંટને તેના કહેવાથી જ મળવા લઈ ગયા; તેની રીતભાત અને વાતચીત મને ઘણી અપમાનયુક્ત લાગી. તેણે પુછ્યું કે “આ જ મણિલાલ? કેમ એઓને વિલાયત જવું છે ?” મેં કહ્યું “હા.” ત્યારે કહે “ઠીક છે. એ બાબત વિચાર કરીશું.” આવું સાંભળી મને માઠું લાગ્યું અને મેં કહ્યું કે “હું એ કામ માટે ઉમેદવાર નથી, આપને જો મોકલવાની ઇચ્છા હોય ને મારા સિવાય બીજો વધારે સારો કોઈ જનાર ન હોય તો હું જવા ખુશી છું.”