પૃષ્ઠ:Atmavruttanta.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
મ. ન. દ્વિનું આત્મવૃત્તાન્ત
 

આટલી વાત થઈ. હું ઘેર આવ્યો, પોલીટીકલ એજંટના મનમાં આવી વાતચીતની અસર પણ સારી થઈ નહિ હોય, ને મારે જવાનું પણ હિંદુધર્મરીવાજ સચવાય તેમ હતું. એટલે મારા ખર્ચનો આંકડો જરા ભારે પણ હતો. છતાં એજંટની મરજી હોત તો બધું થાત. પણ મુંબઈ સરકાર તરફથી જનાર પ્રો. ભંડારકરને ઇંડીયા સરકારે આવા જ અરસામાં ના પાડી. તેને માટે મુંબઈના ગવર્નરના સેક્રેટરીએ એજંટને ખાનગીમાં લખી જણાવ્યું. ભંડારકરને હિંદુ રીતરીવાજ પ્રમાણે જવાની જરૂર ન હતી એટલે તેના ખર્ચનો આંકડો પણ નાનો હતો. આવા યોગમાંથી કાઠીયાવાડ તરફથી તેનું જવાનું બન્યું ને મારૂં ન બન્યું. પણ ન બન્યું એ જ પ્રભુએ ન બનાવ્યું કેમકે જે વખતે Vienaમાં કોન્ગ્રેસ મળવાના દિવસ તે જ વખતે બરાબર બોલી પણ ન શકાય એવો સખ્ત મારો મંદવાડ ! જે થયું તે સારું જ થયું, ને આવું આમંત્રણ મળવાથી પ્રાપ્ત થતું માન તો મને મળી ચુક્યું જ.

આ પુસ્તક ઉપરાંત વળી બીજા બે ઉદ્યોગ આદર્યા હતા. 'નારી પ્રતિષ્ઠા'ને નામે જે આર્ટિકલો "ગુજરાતી"માં આવ્યા હતા, તેનો સંગ્રહ કરી, સુધારાવધારો કરી જુદા પુસ્તક રૂપે પ્રસિદ્ધ કર્યા. આ પ્રસંગે જ તે છપાવી દેવાનું કારણ મી. મલબારીએ બાળલગ્ન સામે તથા વિધવાવિવાહ તરફ ઉઠાવેલી ગરબડ હતી. તેના જેવાને પણ આ પુસ્તક વિષે તો કબુલ કરવું પડ્યું હતું કે “એમાં લખ્યા પ્રમાણે થવા માંડે તો હું મારી તમામ તકરાર મુકી દઉં.”

એ સિવાય નવી સ્ત્રીકેળવણી બાબત મારા મનમાં જે ધુન ભરાઈ હતી ને જે મુંબઈમાં સફળ થવાની અણી પર છતાં વીખરાઈ ગઈ હતી તેની પ્રેરણા વળી ફરી થઈ આવી. ભાવનગરમાં તે વિષે કાંઈ બને એમ ન હતું. હવે શું કરવું? એમ નિશ્ચય થયો કે એક ઘણું સસ્તું માસિક કાઢવું, ને તેમાં સ્ત્રીઓ સંબંધી તો ખરૂં, પણ પ્રાયશઃ એવી રીતિનું ને એવા વિષયોનું લખાણ કરવું કે જે સ્ત્રીઓ પણ વાંચે અર્થાત્ સ્ત્રીઓને વાંચવા લાયક ન હોય તેવા વિષય એમાં ન આવે. માત્ર વર્ષનો રૂા. ૧) કીમત રાખી ‘પ્રિયંવદા' નામનું માસિક ૧૮૮પના આગસ્ટથી મેં શરૂ કર્યું. તે અદ્યાપિ ચાલુ છે ને એનો નફો આવે તે કદાપિ મારે પંડે વાપરી ન ખાવો પણ લોકહિતાર્થ વાપરવો એવી મારી પ્રતિજ્ઞા છે. હાલ તેને બે વર્ષ થવા આવ્યાં છે, પણ તે મુદ્દતમાં તો તેની વાચક વર્ગમાં અતિશય પ્રિયતા છતાં રૂ. ૧૦૦)નો ટોટો ગયેલો છે.

આ સિવાય કાંઈ 'ફીલોસોફી' વગેરે વાંચવામાં તથા મુખ્યત્વે