પૃષ્ઠ:Atmavruttanta.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અધ્યાપક્
૭૯
 

જઈ આવ્યાં, ને હું એકલો પાછો ગયો. મારા ગયા પહેલાંનાએ સ્ત્રીનાં માબાપ કાશીએ ગયાં હતાં, ને ઘેર એનો એકલો વહી ગયેલો ભાઈ હતો. આ પ્રસંગે તેને ઘેર ભવાઈઆઓની મંડળી આવેલી તેમાં એકબે આ સ્ત્રીના યાર હતા એવું મને પછીથી સમજાયું છે. છાનો લાગ સાધી મારી સ્ત્રી નાઠી. મારાં માતુશ્રી તેને તેડવા ગયાં, પણ તેના ભાઈએ કહ્યું કે નહિ મોકલું. મારા માતુશ્રીએ કહ્યું જોજે ભાઈ મણિલાલ જાણશે તો સમાધાન થવું મુશ્કેલ પડશે, તો તેણે જવાબ આપ્યો કે ભલે જીવતા સુધી પાળીશ. આ દિવસે મારી પરણેલી સ્થિતિનો છેડો આવ્યો હું ગણું છું. હું પાછો નડીયાદ આવ્યો, એ સ્ત્રીનાં માબાપ કાશીએથી આવ્યાં, પણ મેં તેને પાછી બોલાવી નહિ તેમ તેનાં માબાપે મોકલી નહિ. આ અરસામાં તેનો વ્યભિચાર વગેરે સાફ*[૧] ... થવા લાગ્યો ને તેની ચાલનાં કારણ પણ સમજાતાં ગયાં. મેં નિર્ણય કર્યો કે હવે કદાપિ એ સ્ત્રીને બોલાવવી નહિ. પણ નાસી ગઈ ત્યારે એ સ્ત્રી ગર્ભિણી હતી તેથી તેને બીજો પુત્ર થયો તેથી મારાં માતુશ્રી વારંવાર મારા આગળ રડી રડીને કહેતાં કે તું એ સ્ત્રીને લાવવા દે પણ મેં દઢ નિશ્ચય એ પાપમાંથી મુક્ત થવા આદર્યો હતો.

મારાં માબાપ સાથેનો સંબંધ તો હતો તેવો જ હતો. મારો ભાઈ ભણવા લાગ્યો હતો ને મારા પર ઘણી મમતા રાખતો. મારો મોહોટો છોકરો નિરંતર મારે ઘેર જ રહેતો. મારાં માતુશ્રીનો સ્વભાવ આકળો ને તેથી ગમે તેમ બોલે તેવો હતો એ મેં વારંવાર લખ્યું છે. મારા પિતાનો સ્વભાવ અતિશય લોભિષ્ઠ હોવાથી તેને અમારી ખાવાપીવા સુધીની વાત પણ રૂચતી નહિ. આ કારણથી વારંવાર કંકાસ થયાં જતો. મારાં માતુશ્રીએ વળી ભાવનગરમાં હું મારા ભાઈને ભણાવતો હતો તેવામાં કાંઈ કુવચન મુંબઈમાં કહેલાં હતાં તેવાં જ કહ્યાં. એથી મને એટલો વિરાગ થયો કે તે જ વખત હું નીકળી જવાના વિચાર પર આવ્યો, પણ વળી મન શમાવીને રહ્યો. ૧૮૮૭ના મંદવાડમાં હું મુંબઈ ગયો. ત્યાં પણ મારી સાથે મારાં માતુશ્રી હતાં, ત્યાં વળી એવો જ કાંઈ બનાવ બનતાં એટલો કંટાળો આવ્યો કે હું બહુ દુઃખી થયો. “અમે વૈરાગી વૈરાગી જનમના વૈરાગી વૈરાગી” એ પદ તે જ વખતે બનાવેલું છે. મારા પિતાના લોભની પણ સીમા ન રહી. મારો ૧૮૮૭નો દુઃસહ મંદવાડ તેની તેને ખબર કરીને અમે ભાવનગરથી નીકળ્યાં. તે અમદાવાદ હતા ત્યાં અમને મળવા આવ્યા પણ સાથે નડીયાદ ન આવ્યા!


  1. * મૂળ લખાણ અહીં અસ્પષ્ટ છે. –સં.