પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦

શિયાળે સમજણ પાડતાં કહ્યું-“માણસનો સ્વભાવ કદી બદલાય છે ? બદમાશ તે બદમાશજ રહેવાનો. સ્વભાવનું ઓસડ નથી. કૂતરાની પૂંછડીને કોણ સીધી કરી શકે તેમ છે ? ભલા માણસો વગર કહ્યે બીજાનું ભલુંજ કરે છે, મ્હેં તો મ્હારી ફરજ બજાવી છે. હવે આપ નામદારને કાંઇ ઇજા થાય, તો તેમાં મ્હારો કસૂર ગણાશે નહિ.” એટલું કહીને તે મુંગો રહ્યો.

“સંજીવક મ્હારી સામે થઇને મ્હને શી ઈજા કરી શકવાનો હતો ?” પિંગલકે પૂછ્યું.

શિયાળે ખુલાસો કર્યો:- “ગમે તેમ પણએ રહ્યો અજાણ્યો. પરાયો માણુસ શું કરશે, અને શું નહિ કરે તેની શી ખાતરી ?”

તે સાંભળીને પિંગલકે શંકા કાઢતાં જણાવ્યું કેઃ- “સંજીવકને સારૂ મ્હારા મનમાં ખોટો ખ્યાલ કેમજ આવી શકે ? એ મ્હારો નાશ કરવા ઈચ્છે છે, એ હું એકદમ શી રીતે માની શકું ? કાંઇ સાબીતી તે જોઇએને ?”

શિયાળ બોલ્યો:- “વળી સાબીતી બીજી શી જોઇએ છે ? આજેજ સ્હવારે એણે તમને મારી નાંખવાનો મારી આગળ નિશ્ચય કર્યો છે. ખાતરી કરવી હોય, તેા જોઈ લેજો એના મ્હોંઢાનો દેખાવ ! તમારી પાસે આવે ત્યારે કરી લેજો એ વાતની ખાતરી, કેવા લાલચોળ ડોળા કરીને એ તમારી સામે ઘૂરકે છે તે! એજ એના નિશ્ચયની સાબીતી.” એમ કહીને શિયાળ ત્યાં આગળથી ચાલ્યો ગયો, અને થોડીવારમાં સંજીવકની પાસે આવીને ઉભો રહ્યો, સંજીવકે