લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧

તેને જોતાંવારને પૂછ્યું:– કેમ, મિત્ર ! કુશળ તો છો ને? દુનિયા કેમ ચાલે છે ?”

શિયાળ બોલ્યો:—“હું રહ્યો નોકર માણસ; ‘ચાકરી સબસે આકરી;’ કોઈવાર મજા કરીએ અને કોઇવાર સજા પણ ભોગવવી પડે; કોઇવાર લ્હેર ઉઠાવીએ તો કોઈવાર લાત પણ ખાવી પડે. માલીક રીઝે, તો રાચીએ અને ખીજે તો ખત્તા ખાવી પડે, અને ખેદ પામીએ. આ સ્થિતિ છે અમારી, ગરીબનો કોણ બેલી , ભાઈ?’ સંજીવક બોલ્યો-“આમ કેમ બોલે છે, ભાઈ ?”

“સાંભળ, ભાઈ સંજીવક !” શિયાળે હ્યું, “હું તને બધી વાત કહીશ, પિંગલક આપણા રાજા છે. આપણા બધાપર એનો અમલ ચાલે છે. માલીકની છુપી વાત ઉઘાડી પાડવી ના જોઈએ. પરંતુ તને રાજાની પાસે લઇ જનારો હું છું. તને કાંઈપણ નુકસાન થાય, તેને માટે હુંજ જવાબદાર ગણાઉં. તેથીજ તારા માથા ઉપર કાંઇ આફત આવી પડતી હોય તો તેની ખબર આપવાની મારી ફરજ છે. પિંગલકને એ વાતની જાણ થાય તો એ મ્હારો જીવ લીધા વગર રહે નહિ. પણ હું તો તને એના ગુસ્સારૂપી આગમાંથી ઉગારવા માગું છું.

“પિંગલકને મ્હારા ઉપર ગુસ્સે થવાનું કાંઇ કારણ ?” સંજીવકે સવાલ પૂછ્યો.

શિયાળ જવાબ દીધો:–“એ તને મારી નાંખીને તારા માંસની બધાં પ્રાણીઓને ઉજાણી કરાવવાનો છે.”