લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯

ત્હારી પાછળ પાછળ આવશે. નાગની પાસેથી તે વીંટી જડી આવશે. અને તરતજ તેઓ એને પૂરો કરી નાંખશે.”

કાગડાએ બરાબર એ પ્રમાણે કર્યું. તેણે પોતાની ચાંચમાં વીંટી ઉપાડી લાવીને નાગના દર આગળ નાંખી દીધી.

રાજાના સિપાઈઓ થોડી વારમાં ત્યાં આવી પહોંચ્યા. તેમણે નાગના દ૨ આગળ તે વીંટી દીઠી. નાગ પણ તે વખતે ફેણ ઉંચી કરીને ત્યાંજ પડી રહ્યો હતો. પછી તો પૂછવુંજ શું? સિપાઇઓએ તરતજ પોતાની તરવારવડે એને ઝભે કરી નાંખ્યો. નાગના કકડે કકડા થઇ ગયા.

સાર:–ગમે તેવું અઘરૂં કામ પણ યુક્તિથી પાર પડે છે. કહેવત છે કે, અકલ બડી કે ભેંસ ? બુદ્ધિબળ આગળ અશક્ય જેવું કાંઈ નથી. આફતમાં હિંમત હારવી નહિ, ખંત અને ટેક હશે, તો ઉપાય ધીમે ધીમે સૂઝી આવશે.

૪. હાજર જવાબી શાહુકાર.

એક વખત એક શાહુકારની દોલત ખલાસ થઈ ગઈ. એથી તેણે પરદેશમાં જઈ વેપાર કરવાનો નિશ્ચય કર્યો. જતાં પહેલાં તે પોતાના મિત્ર પાસે ગયો, અને તેને આ પ્રમાણે કહ્યું:–“મ્હારી પાસે એક હજાર લોઢાનાં કાટલાં છે. તે હું તમારે ત્યાં મુકી જાઉં, તો ત્હમે સાચવી રાખશો ?”

શાહુકારના મિત્રે ધાર્યું કે પરદેશ જનારા ક્યારે પાછા આવે છે. એ કાંઈ પાછો આવવાનો નથી; માટે કાટલાં રાખી પાડીશું, તો આપણાં થઈ જશે. એ વિચારથી તેણે કાટલાં રાખવાની હા કહી. શાહુકાર કાટલાં એને ત્યાં મુકીને પરદેશ ગયો.