લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦

ઘણે દહાડે તે પાછો આવ્યો, ત્યારે પોતાના મિત્રની પાસે ગયો, અને કાટલાંને માટે પૂછવા લાગ્યો કે:—“ક્યાં છે મ્હારાં કાટલાં ? મ્હારે હવે જોઈએ છે.”

એનો મિત્ર પાકો ઠગ હતો. એને કાટલાં પચાવી પાડવાં હતાં. તેથી શાહુકાર પાછો કાટલાં લેવા આવ્યો, તે એને ગમ્યું નહિ. એણે વિચાર કર્યા કે મ્હેં આટલા દિવસ કાટલાં રાખ્યાં છે, તો હવે પાછાં નહિજ આપવાં. એટલા માટે એણે કહ્યું કે:–“કાટલાં તો ઉંદર ખાઈ ગયા !”

શાહુકાર કાંઇપણ બોલ્યો નહિ, પણ તે તરત ચેતી ગયો કે, મ્હારા મિત્રે મ્હને છેતર્યો છે. ઉંદ૨ તે વળી લોઢાનાં કાટલાં ખાતા હશે ? આ શું બોલે છે ? એવું તે કાંઈ હોય ? એની દાનત બગડી છે. માટે યુક્તિથી તે ઠેકાણે લાવવી. કહેવત છે કે, થાય તેવા થઇએ તોજ ગામ વચ્ચે રહીએ. મ્હારે પણ એની કળા એના ઉપર અજમાવવી. એમ સમજીને તે ગુપચુપ પોતાને ઘેર ચાલ્યો ગયો. એના મિત્રને એક નાનો છોકરો હતો. તે એને ઘણો વ્હાલો હતો. શાહુકારે એક દિવસ પોતાના મિત્ર પાસે જઈને ત્હેને કહ્યું:–“આજે ત્હમારા છોકરાને મ્હારી સાથે મોકલો મ્હારે એને કેટલીક રમત બતાવવી છે.” છોકરાને પણ જવાનું મન હતું, તેથી બાપની રજા લઈને તે એની સાથે ગયો. શાહુકાર તો છોકરાને બીજા કોઇના ઘરમાં મુકી આવ્યો. અને ત્યાં એને રમવાને રમકડાં આપ્યાં, પણ ત્હેને પાછો પોતાના બાપને ઘેર મોકલ્યો નહિ. આખરે ત્હેનો બાપ અધીરો થઇ ગયો અને શાહુકાની પાસે આવીને પૂછવા લાગ્યો:–“ક્યાં છે મ્હારો છોકરો?”