“તે વળી કેવી રીતે ?”, રાજકુંવરોએ પૂછ્યું.
વિષ્ણુશર્માએ નીચે પ્રમાણે વાત કહેવા માંડી.
કોઇએક સમુદ્રને કિનારે જાંબુનું ઝાડ હતું. તેના ઉપર એક રક્તમુખ નામનો વાંદરો રહેતો હતો.
એક દિવસ એ રક્તમુખે એક ઘરડા મગરને દીઠો. તે એના ઝાડની પાસેજ પડી રહ્યો હતો. એને જોઇને રક્તમુખે કહ્યું:–“ભલે પધાર્યાં ! તમે મ્હારા ઘરને આંગણે આવ્યા છો, માટે મ્હારા મહેમાન છો. હું તમને જોઇને ઘણો ખુશી થયો છું. લ્યો, આ ગળ્યાં શાકેર જેવાં જાંબુ હું આપું છું, તે ખાઓ.”
એમ કહીને તેણે થોડાંક જાંબુ મગરને આપ્યાં.
મગરને તે બહુ ભાવ્યાં, જાંબુ ખાવાની લાલચથી રોજ મગર ત્યાં આગળ આવવા લાગ્યો. બન્ને જણા સાથે બેસતા, વાતચીત કરતા અને જાંબુ ખાયાં કરતા. જાંબુ ખાઇ રહીને, મગર પાછો પોતાને ઘેર જતો. નદીમાંજ તેનું ઘર હતું.
એક દિવસ મગર પોતાને ખાતાં વધેલાં થોડાંક જાંબુ પોતાની સ્ત્રીને માટે ઘેર લઈ ગયો. તેને પણ એ જાંબુ ઘણાંજ ભાવ્યાં. તેની ડાઢમાં એનો સ્વાદ રહી ગયો. તેથી તે બોલી:—
“આવાં ફળ મ્હારે સારૂ રોજ લાવ્યાં કરો, તો કેવું સારૂં ?” તે ઉપરથી રોજ મગર પોતાની સ્ત્રીને માટે જાંબુ લઈ જતો, અને તેને આપતો. એક દિવસ તેની સ્ત્રીએ પૂછ્યું:—