બીજી માછલી પણ કાંઇ સુસ્ત નહોતી. તે નિત્ય પાણીમાં તરતી અને મજા કરતી. પણ તે પેલી ઉદ્યોગી માછલીના જેવી લાંબી પહોંચવાળી નહતી. ભવિષ્યનો વિચાર અગાઉથી કરતી નહિ. થશે ત્યારે જોઈ લેવાશે; પડશે ત્યારે દેવાશે એમ સમજીને જેવો વખત તે પ્રમાણે વર્તતી. નંબર ત્રીજાની માછલી એ બન્નેથી તદ્દન જુદાજ સ્વભાવવાળી હતી. તે ઘણીજ જડબુદ્ધિની, આળસુ તથા ઢૈયલ હતી. જ્યાં પડી હોય ત્યાંજ પડી રહેતી. તેને કાંઇપણ કામ કરવું ગમતું નહિં. ખરેખરી ભૂખી થાય, ત્યારેજ તે મ્હોં આગળ જે કાંઇ પડ્યું હોય તે ખાઇ લેતી. તે આગ લાગ્યા પછી કૂવો ખોદવા બેસે તેવી હતી.
એક દિવસ બે માછીમારો તે તળાવ આગળ આવી પહોંચ્યા. તેએ માંહોમાહ્ય કહેવા લાગ્યાઃ–
“આવતી કાલે આપણે આ તળાવમાં જાળ નાંખીશું. પાણી પણ થોડુંં છે, એટલે ખુબ માછલાં હાથ લાગશે.”
તે સાંભળીને પહેલા નંબરની માછલીએ બધાં માછલાંઓને બોલાવીને કહ્યું:- “પેલા માછીઓએ શું કહ્યું તે તમે સાંભળ્યું ? કાલે તેઓ અહીં જાળ નાંખવાના છે. તો આપણે રાતનાજ કોઈ પાસેના તળાવમાં ચાલ્યા જઈએ.”
ત્રીજા નંબરની માછલી બોલી ઉઠી:–“હાહા, સાંભળ્યું, એમાં થઇ ગયું ? માછીઓ ભલે આવે. આપણા નશીબમાં જો જીવતા રહેવાનું હશે, તો કોઈ આપણને અહિં પણ મારી શકે તેમ નથી. અને આપણા નશીબમાં મરવાનુંજ નક્કી હશે, તો જ્યાં જઇશું ત્યાંથી પણ પકડાઇશું. માટે આપણે તો કાંઇ જતા નથી.”