લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬

ઓઢીને ખેતરોમાં ભરાતો અને તાજો પાક ખાતો. આથી થોડા દિવસમાં તે ધાબડ ધીંગો બની ગયો. શરીરે હૃષ્ટ પુષ્ટ થઇ ગયો. રોજની માફક એક દિવસ તે ખેતરમાં ચરી રહ્યો હતો, તેવામાં ઓચીંતો એક બીજો ગધેડો ભૂંક્યો. વાઘના ચામડામાં ઢંકાએલા ગધેડાએ પણ તે જોઇને ભૂંકવા માંડ્યું.

તે ઉપરથી ખેતરના માણસો ખરો ભેદ જાણી ગયા કે, આતો ગધેડોજ છે, કાંઇ ખરો વાઘ નથી. એટલે તેઓએ ડાંગ, લાઠી વગેરે લાવીને એની ખબર લઇ નાંખી. ગધેડાને એવો તે સખ્ત માર માર્યો કે તેના રામ રમી ગયા.

સાર:—“જાત ન મૂકે ભાત.” દરેક જાતિનો કુદરતી સ્વભાવ બદલાતો નથી. અવિચારીપણું સઘળી આપદાઓનું મૂળ કારણ છે.

મિત્રનો લાભ કેમ થાય તે વિષે.

ત્યાર પછી પંડિતે રાજકુમારોને કહ્યું કે મિત્રોએ એક બીજાને મદદ કરવી જોઇએ. ગરીબ મિત્રો હોય તે સેવા ધર્મ બજાવે, પૈસાદાર હોય તે પૈસાની મદદ કરે. જો તેઓ રાજા હોય, તો પ્રજાનું રક્ષણ કરે. આપણે આપણી ગુંજાશ પ્રમાણેજ આપણા મિત્રને સહાય કરી શકીએ. આપણા મિત્રો પણ ત્હેમની શક્તિ પ્રમાણે આપણને મદદ કરી શકે. એમ થાય તોજ બધા મિત્રો સુખી થઈ શકે. મિત્રો હોવા છતાં જેઓ દુઃખી થતા હોય તેમને બેવકુફ જાણવા. કાગડો, ઉંદર, કાચબો અને હરણ એ મિત્રો પણ આ પ્રમાણે વર્તીને સુખી થયા હતા.

રાજકુંવરો બોલ્યા:–“અમારે એ વાર્તા સાંભળવી છે.” તે ઉપરથી વિષ્ણુશર્માએ નીચે પ્રમાણે વાર્તા કહેવા માંડી:—