સાર:– આપણા માથા પર આફત આવી પડે ત્યારે આપણા ખરા મિત્ર કોણ છે અને ખોટા કોણ છે તેની પરીક્ષા થાય છે.
૧૫. ચાર સાચા મિત્રોની વાત.
ખરેખરા મિત્રો હોય તે એક બીજાને મદદ કરે.
૧.
એક દિવસ એક કાગડો ઉંદરોના રાજાની પાસે જઈને કહેવા લાગ્યો:—
“ઓ હિરણ્યક! તું ભાગ્યશાળી પ્રાણી છે. મ્હારે ત્હારા મિત્ર થવું છે.”
“તું કોણ છે ?” હિરણ્યકે પૂછ્યું.
ત્હેણે જવાબ દીધો:–‘હું લઘુપતનક નામનો કાગડો છું.”
ઉંદર રાજાએ કહ્યું:- “ત્હારી જાત જુદી છે. આપણા બન્નેનો મેળ કેમ કરીને મળશે? કાગડા ઉંદરોને ખાઈ જાય છે. ત્હારી સાથે દાસ્તી કરવાથી તો મ્હને નુકશાન થયા વિના રહે નહિ.”
કાગડો બોલ્યો:–“ના ના, એવો કાંઈ નિયમ નથી, હું ત્હારો સાચો મિત્ર થઈ શકીશ. સોનું અને રૂપું એ બન્ને જુદાં છે, છતાં તેમને ગાળી જોશો, તો તેમનો મેળ મળશે.”
હિરણ્યક બોલ્યો:– ‘સારી વાત છે. ત્હારા શબ્દોથી હું ખુશ થયો છું. ત્હારી મરજી છે, તો હું ત્હારો મિત્ર થઈશ. ખરો મિત્ર હોય તે એક બીજાની આગળ પોતાનું અંતઃકરણ ખોલીને વાત કરે છે. પોતાની કોઈ વાત છુપાવતા નથી. આપણે પણ એ પ્રમાણે ખરા દીલથી નિખાલસપણે વર્તીશું તો આપણી દોસ્તી સાચી નીવડશે.”