લખાણ પર જાઓ

પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૦
બાલવિલાસ.

નીવડે છે, ને સત્યમાર્ગથી ચળ્યા વિના સિદ્ધિએ પહોંચે છે.

કોઈ પણ વાતનું આપણને જ્ઞાન છે એમ ત્યારેજ કહેવાય કે જ્યારે આપણે તે વાતના જ્ઞાન ભેગોજ તે વાતનો અનુભવ પણ ગ્રહણ કર્યો હોય, નીતિની વાતો કરવાથી કે જાણવાથી નીતિમાન થવાતું નથી, તેની સાથેજ તેનો અનુભવ પણ રાખવાથી નીતિમાન થવાય છે. જ્ઞાન એનુંજ નામ કહેવાય કે જેમાં જાણવું અને કરવું બે એક સાથે એકઠાંજ પ્રાપ્ત થયેલાં હોય; મન, કર્મ ને વાણી, ત્રણેની એકતા રાખવી એમ જે કહેવાય છે તેનો અર્થ એ જ છે કે જે વાત જાણતાં હોઈએ તે સાનુભવ જાણવી; કેમકે જાણ્યા પ્રમાણે જ કરવી. જ્ઞાન શબ્દમાં માત્ર જાણવાનોજ સમાસ નથી થતો, પણ અનુભવવાનો પણ થાય છે; ને એટલાજ માટે ધર્મમાં પણ જ્ઞાનને જ ઉત્તમ કહ્યું છે કેમકે તેમાં જે આત્મભાવ અભેદ કહ્યો છે તે જાણવા સાથે અનુભવ્યો પણ છે એમ જ્ઞાનનો અર્થ છે.

જગતમાં નઠારાં ને સારાં માણસ વચ્ચેનો ભેદ શાથી પડે છે ? માત્ર તેમના હૃદયની વૃત્તિથી પડે છે; રૂપ રંગ સમૃદ્ધિ પોશાખ કે સારી સારી વાતો તે કશાથી એ ભેદ પડતો નથી. સારી વૃત્તિ એટલે સારું જ્ઞાન. સારું જ્ઞાન એટલે જે ઉત્તમ પ્રકારની વાત જાણવામાં છે તે જ પ્રમાણે કરી બતાવવા રૂપ અનુભવ, એમ જે માણસનામાં હોય તે જ સારાં માણસ, આમ અનુભવ એ આ સંસારમાં સર્વત્ર આવશ્યક છે, ને એના વિના નીતિ, વ્યવહાર, ધર્મ, કર્મ, કશું સારું થતું નથી. ઘણાંક એવાં મનુષ્ય પણ હોય છે કે જેમને મહોટા મહોટા વિચાર અને વાતો આવડતાં હોય નહિ, પણ જેમનો અનુભવ એવો પાકો થયો હોય કે જેથી વાતો કરનાર કરતાં પણ અતિ ઉત્તમ પ્રકારનાં તે હોઈ શકે; એજ અનુભવનો મહિમા છે, એટલાજ માટે જેણે ઘણાં વર્ષ આ જગતમાં ગાળી ઘણો અનુભવ મેળવ્યો છે તે માનને પાત્ર છે.

વાત માત્ર અનુભવથી પાકી થાય છે, ન આવડતી હોય તો પણ અનુભવથી શીખાય છે. માણસો પણ અનુભવથી ઓળખાય છે, ને અનુભવના પ્રસંગોમાં નવા નવા સ્નેહ બંધાઈ આત્મભાવ વિસ્તરે છે. પણ તે અનુભવ આવે શી રીતે ? ઘરમાં બેશી રહેવાથી કે જંગલમાં એકાન્તે પડી રહેવાથી અનુભવ આવતો નથી. જનમંડલમાં હળવા મળવાથી, સંસારનાં વિકટ કામો માથે વહોરવાથી, ને સર્વત્ર ઉંધાડી આંખે ખુલ્લા કાને અને શુદ્ધ બુદ્ધિએ અવલોકન કરવાથી, અનુભવ વૃદ્ધિ પામે છે. અવલોકન