પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦
બાલવિલાસ.

પણ પૈસા, શ્રમ, બાધા (અડચણ), ગમે તે હોય. જે કરવામાં આપણને કાંઈ ખમવું પડતું નથી તે પુણ્ય કહેવાય નહિ; એટલે સંસારમાં પડેલા લોક ઘર સાચવીને પરમાર્થ કરવાનું કહે છે તે કાંઈ ખરું પુણ્ય નથી. મારે રહેવાનું ઘર છે તેથી મને જે સુખ છે, તે સુખ જેને તેવું સુખ નથી તેને આપવું એમાં જેટલું પુણ્ય છે, એટલું મારું ઘર સાચવીને બીજાને ઘર કરી અપાવું હોય તો કરી આપવું નહિ તો નહિ, એમાં નથી. જો કે આ બીજા વિચારમાં પુણ્ય નથી એમ નથી, પણ તેજ ખરૂં પુણ્ય નથી. દયા પ્રેમ, ઈત્યાદિ જે જે વાત પુણ્યરૂપે બતાવવામાં આવે છે, તેનો અર્થ એટલોજ છે કે સર્વવ્યાપી આત્મા સર્વત્ર એકજ છે એમ જાણવાથી જે કામ થઈ શકે, તે ન થવા દેનારું આપણા મનનું જે સાંકડાપણું તેને તોડી નાખવું. હું શું કરીશ? મારાં જે છે તે શું કરશે ? આવા હું અને મારા વિષેના વિચારથી અભિમાન જન્મ પામે છે. તે અભિમાન એ કે જે છે તે બધું મારું જ છે, એમાં કોઈનો ભાગ નથી, અને તે સર્વનું કર્તા ભોક્તા પણ મારા વિના બીજું નથી. આવો અભિમાન થતાંજ મનમાં સાંકડાપણું પેદા થાય છે તે માણસ પોતાનાને વળગી રહી બીજાને તેને અડકવા પણ દેતાં નથી. જેનામાં દયા અથવા અભેદ કે પ્રેમ થયો હોય તે આ સાંકડાપણું ભૂલી જાય છે, ને સમજે છે કે સારું નરતું જે જે થાય છે, તે થવું કે ભોગવાવું એ મારા હાથમાં નથી, તો જેને જેને તે ભોગવવાનો પ્રસંગ આવે તેને તેને તે ભલે મળે. તેને, હું કરું છું, કે મારું છે, એ અભિમાન જ હોતું નથી, એટલે તે પોતાની જાત પારકીજ જાણે છે. આનું જ નામ અભેદ કે આત્મભાવ, આનું જ નામ પુણ્ય, એવાને શત્રુ નથી, મિત્ર નથી, કેમકે બધાં પોતારૂપજ છે, તે પોતાનો દ્વેષ કરનારાને પણ પોતા જેવાંજ જાણે છે. ક્ષમા એ પુણ્યનું ફલ છે, ને ક્ષમા આગળ કોઈનું ચાલતું નથી.

જેનામાં ક્ષમા નથી, તેજ અભિમાની હોય છે. જેનામાં અભિમાન છે તેનામાં પાપનો આરંભ થવા માંડ્યો છે. જેનું મન એવું સાંકડું છે કે હું અને મારું જોઈને જ સંતોષ પામે છે, તેમાંથી બીજાને માટે કશું પણ આપવું સહન કરી શકતું નથી, તેજ પાપને માર્ગે ચઢવાની તૈયારીમાં છે. જ્યારે અભિમાન બહુ બલથી વર્તવા માંડે ત્યારે પાપની સમીપ આવ્યાં જાણજો, જ્યારે તે પ્રબલ થઈ પારકાનાં દુઃખ ઉપર જતાં તમારા હૃદયમાં એમ વિચાર પેદા કરે કે એને એવું દુ:ખ છે તેવું મારે નથી એ બહુ સારું છે, ત્યારે પાપને પગથીએ તમે ચઢયાં છો એમ સમજજો; ને જ્યારે પારકાના કેાઈ પણ