પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૭
પત્ની-ધર્મ.

ધર્મ કહેવાય. પણ એ સમજતા પૂર્વ પતિ અને પત્ની એ નામ પુરૂષ અને સ્ત્રીને જે સંબંધથી પ્રાપ્ત થાય છે તે સંબંધ વિષે થોડુંક સમજવાની બહુ અપેક્ષા છે. સ્ત્રીત્વ વિષેના પાઠમાં એમ કહ્યું છે કે સ્ત્રી એક પ્રકાર વિશેષ ગુણવાળી છે, ને પુરુષ બીજા પ્રકારના વિશેષ ગુણવાળા છે, અને જ્યારે એ બેનો સંબંધ થાય ત્યારે જ એક આખું ઘર બંધાય છે. સ્ત્રીઓનામાં ચાર મુખ્ય ગુણે કહ્યા છે પણ તે બધાનું એક નામ આ પાઠમાં પ્રેમ એવુંજ રાખીએ, તે પુરૂષના જે ચાર મુખ્ય ગુણ કહ્યા છે તેનું પણ સામટું નામ બલ એટલુંજ ઠરાવીએ. સ્ત્રી એટલે પ્રેમની મૂર્તિ. તેના વિના પુરૂષનું અંગ અધુરૂં રહે છે. માટે તે તેની અર્ધાંગના કહેવાય છે. તેમ પુરુષ વિના સ્ત્રી પોતાનું પોષણ આદિ પામી ન શકે માટે પુરુષ તેને પાળનાર એટલે પતિ કહેવાય છે. પતિના સંબંધમાં એકત્ર થઈ હોય તે તેની અર્ધાંગના તેમ પત્ની પણ કહેવાય. આમ અન્યોન્યનાં મન અને તનની સર્વ અપેક્ષાઓ પૂરી પાડવા માટે સ્ત્રી અને પુરુષને સંબંધ થાય છે, મૈત્રી થાય છે, વિવાહ થાય છે. સ્વભાવથીજ સ્ત્રી અને પુરુષને અન્યોન્ય આશ્રય કર્યા વિના ચાલે એવું નથી. માણસનો સ્વભાવ એવો છે કે તે એકલું રહી શકતું નથી. પણ તેમાંએ પુરુષ પુરુષને કે સ્ત્રીએ સ્ત્રીને જેવી મૈત્રી થાય તે કરતાં સ્ત્રી પુરુષને વધારે રસમય, વધારે ઉંડી, વધારે ગાઢ અને વધારે ટકે તેવી મૈત્રી થાય છે. એનું મુખ્ય કારણ એ જ છે કે સ્ત્રી પુરુષનાં કામ કરવાનાં સ્થાન જુદાં જુદાં છે, તેમ તેમને પોતપોતાની જે ઈચ્છાઓ તે પણ નિરાળી છે, એટલે તેમની વચમાં ઈર્ષ્યા કે દ્વેષ પેદા થવાનો સંભવ આવતો નથી; ને તેથી જ તેમની મૈત્રી બહુ ઉત્તમ નીવડે છે. આગળ સ્ત્રીત્વના પાઠમાં કહ્યું છે કે જ્યારે સ્ત્રી, પુરુષ થવા જાય છે કે પુરુષ સ્ત્રી થવા જાય છે ત્યારે જ કલેશ પેદા થઈ સંસાર બગડે છે, તે વાત પણ આ વાત ઉપરથી વધારે ખરી છે, એમ લાગશે. ત્યારે જગતની રચનાથી તેમ અન્યોન્યના સ્વભાવથી સ્ત્રી અને પુરુષની મૈત્રી થવી આવશ્યક છે, થયા વિના રહેજ નહિ તેવી છે. મૈત્રી, પ્રીતિ, પ્રેમ, સંબંધ, તે જેમ એકને એક જ જે થયો હોય તે લાંબામાં લાંબો સમય ટકે તેમ તેમાંથી બહુ બહુ વિનોદ, નાના પ્રકારના આનંદ, અને જાતજાતનાં સુખ, પેદા થાય છે. સ્થિરતા એ સંસારમાં સુખ પામવાનો મુખ્ય ઉપાય છે. જે માણસ સ્થિર ન હોય, એકથી બીજું, બીજાથી ત્રીજું, ત્રીજાથી ચોથું, એમ એક પછી એક ઠેકાણું બદલી દોડાદોડ કર્યા કરે, ને ચલવિચલ વૃત્તિ રાખે તો તેને કશા પાકા સુખનો અનુભવ મળે નહિ, માટે સ્ત્રી પુરુષને