લખાણ પર જાઓ

પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૮
બાલવિલાસ.

રમણીય, વરનાથી નાની, યુવતી, અને કુલ શીલવાળી, હોવી જોઇએ; વરમાં પણ કુલ, શીલ, વિદ્યા, વિત્ત, ને રૂપ એટલા વાનાં હોવા જોઈએ. એ ઉપરાંત વરકન્યા સપિંડ, એટલે કે પિંડથી ઉત્પન્ન થયેલાં, એટલે એક ગોત્રનાં ન હોવાં જોઈએ; જેના ઉપર મન અને ચક્ષુ ઠરે તે જ કલ્યાણ કરે એમ શાસ્ત્ર વચન છે, તેનું તાત્પર્ય એ છે કે, કહ્યા તેવા રૂ૫ ગુણવાળાં વરકન્યાને પ્રેમ થાય તે પ્રમાણે લગ્ન કરાવવું, એ હેતુ પાર પાડવા માટે આઠ વર્ષથી વાગ્દાન કરવાને સંપ્રદાય છે. વાગ્દાનથી તે વિવાહ સુધીમાં કન્યાએ બ્રહ્મચર્યાદિ દ્રઢ રીતે પાળી સારી રીતે વિદ્યાભ્યાસ કરવો. જે છ સંસ્કારનું વર્ણન કરવું હતું તેનો આ પ્રમાણે વિવેક છે: બાકીના આગળ કહેવાશે.

સન્નારી સીતા ભાગ-૧
૨૨

મિથિલાના રાજા જનકવિદેહીને ઘેર સાક્ષાત્ જગતજનની આદિશક્તિએ જ અવતાર લીધો હતો. યજ્ઞભૂમિને ખેડતાં હળની કોશ સાથે ઉખડીને એક પેટી નીકળી તેમાંથી ઉત્પન્ન થઈ, માટે સીતા એવું હલની કોશનું નામ છે તે જ તેને આપ્યું. એ કન્યાના રૂપમાં કાંઇ મણા ન હતી. તેનાં માતાપિતાએ પણ તેને યોગ્ય વિદ્યાભ્યાસ કરાવવા અનેક અનેક યોજનાઓ કરી હતી, અને તેને વિનોદ કરાવવા માટે કેટલીએક તરૂણ સખીઓ પણ સોંપી હતી. એમ સીતા રૂપગુણથી દિનપ્રતિદિન વૃદ્ધિ પામતી જાય છે તેવામાં મહા પરાક્રમી પરશુરામ જનકને ઘેર અતિથિ થઈને એક દિવસ આવ્યા જનકે તે બ્રાહ્મણનો યોગ્ય સત્કાર કર્યો, અને બન્ને જમવા ગયાં. જમીને આવ્યા તો પરશુરામે દીઠું કે પોતાના ધનુષ, પરશુ, આદિ આયુદ્ધ મુકેલાં હતાં, તે આમ તેમ વિખેરાઈ ગયેલાં છે, ને ધનુષને તો ઘોડો કરીને સીતા ચારે પાસા પરસાળમાં રમાડે છે ! છ સાત વર્ષની બાલિકાએ શ્રી શંકરભગવાનના પ્રસાદ રૂપ મહાધનુષ, જેને પોતા વિના કોઇ ઉપાડી પણ શકતું નથી, તેને ઘોડો કરી રમાડવા માંડયું છે, એ આશ્ચર્ય જોઈ પરશુરામ ચકિત થઇ ગયા. તુરત જ તેમણે જનક પાસે પ્રતિજ્ઞા લેવરાવી કે આ ધનુષ જે હું તમારે ઘેર મૂકી જાઉં છું, તેને જે ચઢાવે તે જ આ કન્યાનો વર થાય.