પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૩
સન્નારી-દમયંતી.

છે, તો એકને બદલે પાંચ નલ દેખે છે, એમ દેવતાઓએ કરવા માંડયું. પણુ દમયંતીએ, આંખો મીટ મારતી ન હતી તેથી, અને ભૂમિથી અધર રહેલા ચરણે ઉભા હતા તેથી દેવતાને ઓળખી કાઢી, નલને વરમાલ આરોપી; દેવતાઓએ પણ નલ અને દમયંતીને જુદાં જુદાં વરદાન આપ્યાં. નલ અને દમયંતીનો વિવાહ થયા પછી ઘણીક પહેરામણી સાથે વરકન્યાને વળાવી દીધાં. રસ્તામાં નલ રાજાને કલિ સામે મળ્યો. તે પણ દમયંતીના સ્વયંવરમાં જતો હતો, પણ તેણે નલરાજાને સ્વયંવરમાંથી દમયંતીને લેઈ ને જતાં જોઈ મનમાં અતિ વૈર ધારણ કર્યું, અને નલનો એક પિતરાઈ ભાઈ તેનાથી રીસાઇને જતો રહ્યો હતો તેને જઈ મળ્યો, તથા તેને આડું અવળું સમજાવી નલરાજા સાથે વિરોધ કરવા તેડી લાવ્યો.

કલિની બુદ્ધિથી નલના પિતરાઈ એ નલને એમ કહ્યું કે મારી સાથે તમે ધૂત રમો ને તેમાં તમારા રાજ્ય પાટની પણ હોડ કરો. નલ જેવા ધર્માત્માને પણ, કોઈ પ્રસંગે શરીરમાં પ્રવેશ કરી, કલિએ બુદ્ધિનો ભ્રંશ કરી નાખ્યો તેથી તેણે ધૂત રમવું સ્વીકાર્યું. કલિની ચેષ્ટાથી નલ રાજાનો પિતરાઈ જીત્યો અને નલને રાજ્યપાટ તજી વનવાસ કરવો પડયો, દમયંતી તથા પોતાનાં બે બાલકને નલ રાજાએ દમયંતીના પીઅરમાં મુકવા માંડયાં પણ તે ત્યાં ગયાં નહિ, અને બાલકો એકલાનેજ મોસાળ મોકલી દઈ દમયંતી નલ રાજાની સાથે એક લુગડાભેર વનવાસ નીકળી.

હવે કલિએ નલ દમયંતીનો કેડૉ લીધો. વનમાં ભુખ તરશ લાગે, પણ અતિ ઉત્તમ ફલફલાદિનાં કારમાં વન દેખાડી, તે લેવા જાય ત્યારે કાંસ ન મળે, એવી માયા કલિ રચતો ચાલે. એક સમય કલિ બગલો થઈને બેઠો ને તેને પકડવા, નલે, દમયંતીને અવળી ઉભી રાખી પોતાનું એક વસ્ત્ર તેના ઉપર નાખ્યું, તે લઇને બગલો ઉડી ગયો. દમયંતીએ પોતાનું અર્ધ વસ્ત્ર ઉકેલી આપ્યું તે નલે પહેર્યું. એમ સ્ત્રી પુરૂષ એક વસ્ત્રે ઢંકાઈ ચાલવા લાગ્યાં. જતાં એક સારોવરમાંથી નલે મત્સ્ય પકડી પકડી દમયંતીને આપવા માંડયાં, પણ દેવતાના વરદાનને લીધે દમયંતીના હાથમાંથી તે સજીવ થઈ જલમાં પાછાં પડી ગયાં, નલે કાંઈ ન દીઠું ને પૂછ્યું કે મત્સ્ય કયાં ગયાં? ત્યારે દમયંતીએ ખરી વાત કરી તે તેને લક્ષમાં કલિએ ઉતરવા દીધી નહિ. કોધનો ભરાયો એમ જ સમજ્યો કે એ મત્સ્ય એ સ્ત્રી ખાઈ ગઈ; તેથી રાત્રીએ દમયંતી થાક ને ભુખને મારે ઉંઘતી હતી ત્યારે “કેવી નીરાંતે પેટ ભરીને ઉંધે છે ” એમ આવેશ આણી વસ્ત્ર ફાડીને નાસી ગયો. પણ પ્રેમ જવા દે કેમ ? જાય છે.