પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૭
સન્નારી-દમયંતી.

લાકડાં સળગાવી શકતા, ખાલી ઘડાને જલથી ભરી શકતા, અગ્નિથી બળતા નહિ, ને રસોઈ બહુ સ્વાદિષ્ટ કરતા. એ બધાં દેવતાઓએ આપેલાં વરદાનમાંનાં વરદાન હતાં. તે પ્રમાણે બાહુકની ચેષ્ટા મળતી આવી. ત્યારે દમયંતીએ દાસીને પાછી મોકલી અયોધ્યામાં જે ટેલ નંખાવી હતી તે કહેવરાવી; તેનું બાહુકે જે ઉત્તર આપ્યું હતું તે વિષે પૂછાવ્યું. બાહુકે બહુ ગળગળા થઈ જઈ એનું એજ ઉત્તરે ફરી આપ્યું. પાછી દમયંતીના કહેવાથી દાસી છોકરાને તેડી ગઈ, તો તેમને જોઈને બાહુકથી રહેવાયું નહિ. આંખે આંસુ પડવા લાગ્યાં, ને બાહુકે બન્ને છોકરાને ખોળામાં લીધાં; કહે કે મારે ઘેર આવાં બાલક છે તેથી મને આમને જોઈને વહાલ આવે છે. આવી રીતે બધું મળતું આવવાથી દમયંતી પોતાની માતાની આજ્ઞા લઈ જાતે બાહુકની પરીક્ષા લેવા ગઈ. ઘણાક ગૂઢ પ્રશ્નોત્તર થયા પછી દમયંતીને નિશ્ચય થયો કે આ નલ છે, ને બાહુકે પણ તે વાતની હા કહી ને કહ્યું કે તું પતિવ્રતા થઈ બીજો સ્વયંવર કરે છે એમ સાંભળ્યા પછી મારે શા માટે પ્રગટ થવું ? તેથી તું તારે માર્ગ જા. દમયંતીએ સર્વ દેવતા સમક્ષ પ્રતિજ્ઞા કરી કે, મેં મનથી પણ અન્યથા ચિંતન કર્યું હોય તો મને સૂર્યનારાયણ બાળી નાખજો. માત્ર તમને પામવાના ઉપાય માટે જ આ એક યુક્તિ રચી છે. એ ઉપરથી દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી દમયંતીને સતીશિરોમણી ઠરાવી, એટલે બાહુકે નાગનાં આપેલાં વસ્ત્ર ધારણ કર્યો કે તુરત તેનું પૂર્વવત્ દિવ્ય નલરૂપ થઈ ગયું. નલદમયંતી મળ્યાના ઉત્સવમાં બધું નગર આનંદમય થઈ ગયું, પણ ઋતુપર્ણ જંખવાણો પડી ગયો. પરંતુ દમયંતીના પિતાએ તેને બહુ માનપૂર્વક એક પોતાનીજ કન્યા પરણાવી વિદાય કર્યો. નલ દમયંતી, તે પછી, નૈષધ દેશ ગયાં. ત્યાં પોતાના પિતરાઈને નલે કહ્યું કે હું ધૂતમાં હાર્યો હતો તે હવે બીજું દ્રવ્ય લેઈ આવ્યો છું માટે ફરી ધૂત રમ નહિ તો યુદ્ધ આપ. ફરી ધૂતમાં પોતાનો પિતરાઇ હાર્યો, એટલે નલે તેને રાજ્યનો થોડોક ભાગ આપી, રાજ્ય પોતાને સ્વાધીન લઈ, પોતાની અપ્રીતમ સતી પત્ની સાથે બાલાપાલસહિત આનંદમાં દિવસ ગાળ્યા.

આ વૃત્તાંતમાંથી જે અનેક શીખામણો લેવાની છે તેમાં મુખ્ય તો એ છે કે સતી સ્ત્રીનો ધર્મ કેવો હોય છે ? જેને પતિ કહ્યો તેને દેવના કરતાં પણ અધિક માન્યો, વિપત્તિમાં તેણે તિરસ્કાર કર્યા છતાં પણ તેને ન વિસર્યો, ને બાહુક જેવો થયાં છતાં પણ તેનેજ ગ્રહણ કર્યો, એવી સતીના ચરિતમાંથી સર્વ સન્નારીને ઉત્તમ શિક્ષા લેવાની છે. નલ દમ-