પૃષ્ઠ:Bansari.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨: બંસરી
 


‘જ્યાં હું છું ત્યાં તમે છો !’ વ્રજમંગળાએ કહ્યું.

‘તમારા ઘરમાં છું ? ઘર જેવું લાગતું તો નથી.'

'તમને બોલવાની ડૉક્ટરે ના પાડી છે, માટે હમણાં કશું જ પૂછશો નહિ.'

હું શાંત પડ્યો. ખરેખર, મારાથી વધારે બોલાય એમ હતું જ નહિ. હું એક જાતની તંદ્રામાં આંખો મીંચી કેટલીક વાર પડી રહ્યો. થોડી વાર થઈ હશે અને મેં એક પુરુષનો અવાજ સાંભળ્યો. ધીમેથી તે બોલતો હતો :

'હવે કેમ છે ?'

'એક કલાક પહેલાં આાંખ ઉઘાડી થોડીએક વાત કરી.’ વ્રજમંગળાએ કહ્યું.

'વાત કરવા દેશો જ નહિ, એમાં બહુ જોખમ છે.'

'મેં તો તરત વાત બંધ કરાવી હતી.'

'કારણ શરીરના આઘાત કરતાં મન ઉપરનો આઘાત ઘણો ભારે છે. પહેલે દિવસે તો મને જિદગી જ જોખમમાં લાગી હતી.'

'હવે તો બચશે ને ?’ વ્રજમંગળાએ પૂછ્યું.

'માંદગીમાંથી તો બચશે પણ...'

મેં ફરી આંખ ઉઘાડી. યુરોપિયન પોશાકમાં સજજ થયેલા એક હિંદુગૃહસ્થ ઊભા ઊભા વ્રજમંગળા સાથે વાતો કરતા હતા. બંનેની આંખ મારા તરફ જ હતી. મારી આંખો ખૂલતી જોતાં બરોબર બંને જણ મારી પાસે આવ્યાં. મેં પેલા ગૃહસ્થને ઓળખ્યા નહિ, પરંતુ તેમના ખિસ્સામાંની રબરની ભૂંગળી જોઈ મેં ધાર્યું કે એ ડૉક્ટર હશે. તેમણે ડૉક્ટરની ઢબે હસતું મુખ રાખી મારો હાથ પકડ્યો અને નાડ જોવા માંડી; થોડી વાર ધબકારા ગણી પ્રસન્ન મુખ કરી તેઓ બોલ્યા :

‘આજે ઘણું સારું છે. હવે વધારે વિચારમાં પડી જશો નહિ.’

મને એકદમ સમજાયું કે હું કોઈ દવાખાનાના ભાગમાં હોઈશ. મેં પૂછ્યું :

'પણ હું ક્યાં છું ?’

'તમને જણાવવા જેવી તમારી તબિયત થશે એટલે હું જણાવીશ.'

‘અરે મહેરબાન ? હું તો તદ્દન ભાનમાં આવી ગયો છું. મને બધી હકીકત જણાવો, નહિ તો હું ઘેલો થઈ જઈશ.’ મેં કહ્યું.

‘તમે મારા દર્દી છો અને હું કહું તેમ કરવાને તમે બંધાયલા છો.’ ડૉક્ટર સાહેબે મને ધમકાવ્યો. દર્દીઓને ધમકાવવાની જરૂર હશે એ હું