પૃષ્ઠ:Bansari.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુરેશ : ૩
 

પકડવાનું કામ કર્યું હોય એમ મારા જાણવામાં નથી, પરંતુ પોલીસખાતાના મોટા અધિકારીઓ સાથે તે કવચિત્ સમાગમમાં આવતો, અને વર્તમાનપત્રે ચઢેલા દરેક ગુનાની હકીકતોને ચીવટાઈથી વાંચ્યા કરતો. તેની અનેક વિચિત્રતાઓ જોડે આને પણ એક વિચિત્રતા માની અમે તેને હસતા. આજે બંસરીના ખૂનનો વિચાર મને પાગલ બનાવી મૂકે તે પહેલાં જ્યોતીન્દ્ર યાદ આવ્યો અને હું તેની પાસે દોડ્યો.

તેને ઘેર આવતાં, મોજાંની રકઝક અને તેની પત્નીના નામ વિષેની મશ્કરી ચાલતી હતી તેમાં મને જરા પણ રસ પડ્યો નહિ. પોલીસ કમિશનરે તેને બોલાવ્યો હતો અને છતાં એ વાર કરતો હતો. એમ તેની પત્નીએ કહ્યું પણ મને કશી સમજ પડી નહિ. પોલીસ કમિશનર અગર બીજા પોલીસ અધિકારીઓ તેને કોઈ કોઈ વખત ચા પીવા અગર મળવા બોલાવતા તે હું જાણતો હતો, એટલે મને એમાં નવાઈ લાગી નહિ. પરંતુ એણે પોતાની પત્નીના બહાના નીચે બંસરી શબ્દનો ઉચ્ચાર કરી મારી સામે સ્મિત કર્યું એટલે હું ખરેખર ચમકી ઊઠ્યો. જ્યોતિને બંસરીના ખૂનની ખબર પડી શી રીતે, એ વિચારમાં હું પડ્યો. એટલામાં મને એણે પૂછ્યું :

‘પછી તું એનું નામ કેવી રીતે દઈશ ?’

‘કોનું ? હું ભાન ભૂલતો હતો. વ્રજમંગળાના નામની વાત ચાલતી હતી. તે વીસરી જઈને મેં પૂછ્યું. જ્યોતીન્દ્ર ખડખડ હસી પડ્યો અને બોલ્યો :

‘તારુંયે ભાન જતું રહ્યું લાગે છે. કોના નામ વિશે આપણે વાત થતી હતી?ʼ

'હાં હાં; હું હવેથી એમને મંગળાબહેન કહીશ.' મેં જવાબ આપ્યો. પરંતુ મારી ઇચ્છા એ વાત વધારે લંબાવવાની ન હતી. મારે કહેવાનું બીજું હતું અને તે કહેવાની મારી ઉત્કંઠા વધ્યે જતી હતી. જ્યોતીન્દ્રના ધ્યાન બહાર તે હોય હું એમ માનતો નથી. કારણ તેણે કહ્યું :

'બરાબર. જો તું એવી રીતે દીર્ઘસૂત્રી થતો અટકી જાય તો હું તને કોઈ નવાઈ ભરેલે સ્થળે લઈ જાઉં.'

‘હવે આ મોજાં તૈયાર થયાં છે, અને કમિશનર સાહેબને ત્યાંથી આ ત્રીજી વખત ટેલિફોનની ઘંટડી વાગી છે. હવે જવું છે કે બેસી રહેવું છે ?’ વ્રજમંગળાએ મોજાં દુરસ્ત કરી. જ્યોતીન્દ્રની પાસે મૂકી જણાવ્યું.

‘સુરેશ ! આની ઈચ્છા આપણને આજે ઘરમાંથી કાઢવાની લાગે છે. ચાલ ત્યારે, મોજાં પહરવા પણ શું કામ ઊભા રહીએ ?’