પૃષ્ઠ:Bansari.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એ અહીં ક્યાંથી?: ૧૦૯
 

જૂની દવાખાનાની જગાએ જ છું. મેં આપઘાત કર્યો નહોતો પણ મને સ્વપ્ન આવ્યું હતું. પાંચ ખૂનની વાત બાજુએ રહી પણ મેં તો એક કીડીને પણ મારી નહોતી ! સ્વર્ગમાં બંસરીનો સંગ મળે એવો હું ભાગ્યશાળી નહોતો. સ્વપ્નવત્ સ્વર્ગમાંથી હું પાછો જાગૃત બની પૃથ્વી ઉપર પટકાયો.

ત્યારે આ સ્ત્રી કોણ ?

‘વ્રજમંગળા !’ મેં તે સ્ત્રીને બોલાવી. વ્રજમંગળા સિવાય કોઈપણ સ્ત્રી મારી પાસે દવાખાને આવતી ન હતી. જોકે વ્રજમંગળામાં અને મારી પાસે બેઠેલી સ્ત્રીમાં તફાવત હતો એ તો હું સમજી ગયો હતો, છતાં મેં આ પ્રમાણે નામ દઈ તેને બોલાવી.

તેણે મારા તરફ મુખ ફેરવ્યું, પરંતુ આઘું ઓઢેલું લૂગડું તેણે ખસેડ્યું નહિ.

‘હું વ્રજમંગળા તરીકે ઓળખાઈને જ અહીં આવી છું. પણ હું વ્રજમંગળા નથી.'

'ત્યારે તમે કોણ છો ?’

‘એ પૂછવાની પણ તમારે જરૂર નથી. તમને અત્યારે હું એક સૂચના આપવા આવી છું.’

હું હવે બેઠો થયો. મારામાં શક્તિ હવે આવી હતી એમ લાગ્યું.

‘શી સૂચના ?’

‘તમે અહીંથી ચાલ્યા જાઓ.' સ્ત્રીએ કહ્યું.

હું જરા ચકિત થયો. આ પરાઈ સ્ત્રીને અહીં આવી, આવી ભયંકર સૂચના કરવાનું કારણ શું ?

‘શા માટે ?’ મેં પૂછ્યું.

‘તમારે બચવું હોય તો એકલો એ જ રસ્તો છે.'

'નાસી ગયાથી હું શી રીતે બચીશ ? પોલીસને થકવવી એ અઘરું કામ છે.'

‘એ છેલ્લો પ્રયત્ન કરી જુઓ. હું ખરું કહું છું, તમે બચી જશો.'

‘પણ હું કોને માટે બચું ? મારું કોણ છે ?’

એ સ્ત્રી જરા અટકી; શા માટે તે હું સમજી શક્યો નહિ. જરા રહી તે બોલી :

‘ધારો કે તમે મારે માટે બચો, તો ?’

‘અરે પણ આપ કોણ છો ? આવું જોખમ વેઠી આ કારાગૃહના દવાખાનામાં શા માટે આવ્યાં ?'