પૃષ્ઠ:Bansari.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
મુકદ્દમાની વિગતો

જગતના કાચ યંત્રે
ખરી વસ્તુ નહિ ભાસે.
બાળાશંકર

હવે મારે બીજી હકીકત, ઘણી કહેવાની રહેતી નથી. મારી અને ફાંસીની વચ્ચે મારો મુકદ્દમો જ રહ્યો. તેની સંપૂર્ણ વિગતમાં હું ઊતરતો નથી. મેજિસ્ટ્રેટની રૂબરૂ મારી કબૂલાત લેવડાવવા મારી માંદગીના સમયમાં પોલીસે ઘણો પ્રયત્ન કર્યો અને બે-ચાર વખત કંટાળીને મે હા પણ પાડેલી; પરંતુ મેજિસ્ટ્રેટ આવતાં હું એટલું જ જણાવતો હતો કે મારે જે કહેવાનું હશે તે હું અદાલતમાં યોગ્ય વખતે જાહેર કરીશ.

પોલીસ અને મુકુંદપ્રસાદ - બંસરીના કાકા - એ ફરિયાદી અને હું આરોપી : એ પ્રમાણે મુકદ્દમો શરૂ થયો. સામા પક્ષમાં સરકારી વકીલ અને મુકુંદપ્રસાદ તરફથી નવીનચંદ્ર એમ બે બાહોશ વકીલો રોકાયા. સુધાકરે મારે માટે નવીનચંદ્રને રોકવાની કરેલી વાત ખોટી હતી એમ મને હવે લાગ્યું. મારા તરફથી કોઈ પણ વકીલને મેં રોકવાની ના પાડી. કોઈ પણ સારા વકીલને હું રોકી શકું એવી મારી સ્થિતિ જ નહોતી. પરંતુ વર્તમાન ન્યાયશાસને એક એવી પદ્ધતિ સ્વીકારેલી હોય છે કે આરોપીની શક્તિ ન હોય તો સરકાર તરફથી તેને વકીલની સહાય આપવામાં આવે છે. સરકાર ઓછામાં ઓછી ફી આપી ઘણે ભાગે નવા વકીલોને આવા કામમાં રોકે છે, આ વકીલો કામ મળ્યાની હોંશમાં બનતો પ્રયત્ન કરે છે, પણ તેમનો અનુભવ આરોપીને ભાગ્યે જ કામ લાગતો હશે. દિવ્યકાન્ત કરીને એક નવા વકીલને મારા બચાવ અર્થે મારી નામરજી છતાં સરકારે રોક્યા.

જે મુકદ્દમો ચાલ્યો તેનો વિચાર કરતાં મને એક વાત તો ચોક્કસ જણાઈ કે ન્યાય એ અદલ ઈન્સાફ નહિ પરંતુ બુદ્ધિમાન વકીલોની કાયદાબાજીની શેતરંજ માત્ર છે.

પોતે જે પક્ષ લીધો હોય તે પક્ષ ખરો છે એમ પુરવાર કરવા માટે કાયદાના આધાર ઉપર તેઓ એવી દલીલો અને પુરાવા રચે છે, અને કાયદાની એવી ભુલભુલામણીઓ ઊભી કરે છે કે ન્યાય એ ભારેમાં ભારે